- લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું ઘર મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-2024 સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 3872 લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં પડધરી તાલુકામાં સૌથી વધુ 671 લાભાર્થીઓ અને કોટડાસાંગાણી તાલુકામાં સૌથી ઓછા 112 લાભાર્થીઓ નોંધાયા હતા.
રાજકોટ જિલ્લાની 543 ગ્રામ પંચાયતમાં ઘરવિહોણા લોકોને પાકું ઘર મળે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની તાલુકા પંચાયત કચેરી દ્વારા સર્વેક્ષણની કામગીરી તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા ઓનલાઈન એપ મારફત કરવામાં આવી હતી. વધુમાં વધુ લોકોનું સ્ક્રીનીંગ થાય અને વધુમાં વધુ લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે નિયામક , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તેમનું પાકું મકાન બનાવવા માટે રૂા. 1.20 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થીનું આવાસ મંજુર થયે એડવાન્સ પેટે રૂા.30,000 ત્યારબાદ આવાસમાં પ્લીન્થ સુધીના બાંધકામ થવાથી રૂ. 80,000 અને પ્લાસ્ટર સાથે પૂર્ણ થાય ત્યારે રૂ.10,000 ની ચુકવણી કરવામાં આવે છે. તદ્દઉપરાંત આવાસ મંજુર થયાના પહેલો હપ્તો રૂા .30,000 ચૂકવ્યાની તારીખથી 6(છ) મહિનાથી ઓછા સમયમાં આવાસ પૂર્ણ કરવામાં આવે તો મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય પેટે રૂા.20,000 ચુકવવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ લાભાર્થીને મજુરી પેટે પ્રતિ દિન રૂા.280 લેખે 90 દિવસની રોજગારી પણ ચુકવવામાં આવે છે.
આવાસ સાથે જ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ લાભાર્થી શૌચાલય બનાવે તો રૂમ.12,000 લેખે સહાય તેમજ બાથરૂમ બાંધકામ કરવામાં આવે તો રૂા.5,000 અલગથી ચુકવવામાં આવે છે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ રૂમ.1,82,000 રૂપિયાની સરકાર દ્વારા આવાસ સહાય આપવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના બાકી રહી જતા લાભાર્થીઓને પણ ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.