- ૧૪૭ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારાઈ
જામનગર: શહેર પર ચોમાસાનું આગમન થાય તે પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે જર્જરિત અને જોખમી ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન ૨૨૨ ઇમારતોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૪૭ ઇમારતો જોખમી અને જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા આવી ઇમારતોના મિલકતધારકોને નોટિસ આપીને તાત્કાલિક સમારકામ અથવા સેઇફ સ્ટેજ પર લાવવા માટે સૂચના આપવામાં આવી છે.
જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલી જૂની અને જર્જરિત ઇમારતો ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદમાં ધરાશાયી થવાનું જોખમ ધરાવે છે, જેના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાની ટીપીઓ, એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી ૬ ટીમો દ્વારા શહેરના ૧૬ વોર્ડના તમામ વિસ્તારોમાં જર્જરિત ઇમારતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં થયેલા સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ ૨૨૨ ઇમારતોની સ્થિતિ તપાસવામાં આવી હતી. આ તપાસમાં ૧૪૭ સ્થળોએ ઇમારતો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં કેટલીક ઇમારતોમાં સમારકામ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં ઇમારતો ભયજનક સ્થિતિમાં છે. આ ૧૪૭ જોખમી ઇમારતોના મિલકતધારકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને તાત્કાલિક ધોરણે જરૂરી સમારકામ કરીને ઇમારતને સુરક્ષિત સ્થિતિમાં લાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
શહેરમાં આવેલી જોખમી ઇમારતો પૈકી મોટાભાગની ઇમારતો ભાડુઆત અને માલિક વચ્ચેના વિવાદના કારણે લાંબા સમયથી રિપેર થઈ શકી નથી. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં મિલકતધારકો શહેરની બહાર રહેતા હોવાથી તેમની મિલકતો બંધ હાલતમાં જર્જરિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પવનને કારણે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧૪૦૪ આવાસ યોજનાના બે માળના ૧૧૭ બ્લોક્સ પૈકીના ૬૬ બ્લોક્સના ૭૯૨ ફ્લેટ્સ અને હાઉસીંગ બોર્ડ સાધના કોલોનીના ૨૯ બ્લોક્સના ૩૪૮ ફ્લેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા.
ચોમાસા પહેલા હાથ ધરાયેલો આ સર્વે અને નોટિસ આપવાની કામગીરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહાનગરપાલિકાના પ્રયાસનો એક ભાગ છે. જોકે, મિલકતધારકો દ્વારા સમયસર સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
અહેવાલ: સાગર સંઘાણી