Abtak Media Google News

કસોટી મરજીયાત, પણ વધુને વધુ શિક્ષકો સર્વેક્ષણ કસોટીમાં જોડાય તેવી શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની અપીલ

રાજકોટ જિલ્લાના 25 જેટલા CHC  સેન્ટરો પર કાલે બપોરે બે વાગ્યાથી પરીક્ષા યોજાશે

રાજ્યભરમાં મંગળવારે શિક્ષક સજ્જતા પરીક્ષા યોજાવાની છે. તો આ મુદ્દે હવે વિવાદ પણ શરૂ થઈ ગયો છે. શૈક્ષીક મહાસંઘ તરફતી સર્વેક્ષણમાં ખોટી રીતે શિક્ષકોનો વધુ આંકડો બતાવવા શિક્ષકોની જન્મ તારીખ નાખી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. શૈક્ષીક મહાસંઘે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખી ખોટી રોતે હોલ ટિકિટ ડાઉનલોડ કરતા લોકો સામે પગલાં લેવા અને ગેરરીતિ ના થાય એ માટે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. જો કે આ બધા વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવે આ કસોટી મરજીયાત કરવામાં આવી છે પણ વધુ ને વધુ  શિક્ષકો સર્વેક્ષણ કસોટીમાં જોડાય તેવી શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા અપીલ કરવામાં આવી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ‘આવતી કાલે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી યથાવત રહેશે. બાળકોના હિતમાં અને શિક્ષણના હિતમાં આ કસોટી જરૂરી છે. શિક્ષકોને તાલિમ આપવા માટે આ કસોટી યોજાઇ છે. જો કે આ સર્વેક્ષણ ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે. સર્વેક્ષણનો સેવાપોથીમાં કોઇ ઉલ્લેખ નહીં કરાય. 1 લાખ 17 હજારથી વધુ શિક્ષકોએ આ સર્વેક્ષણમાં જોડાવા સહમતિ આપી છે.તેમણે જણાવ્યું કે, ‘તમામ શિક્ષકોના હિતમાં આ સર્વેક્ષણ કસોટી છે. આમાં પાસ અને નાપાસનો કોઈ પ્રશ્ન છે જ નહીં. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. નવી શિક્ષણ પોલિસીમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીની નોંધ શિક્ષકની સેવા પોથીમાં કરવામાં આવશે નહીં. જે શિક્ષકને શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી આપવી હોય તે આપી શકે છે. આ કાર્યક્રમ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે છે. શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી મુદ્દે બન્ને સંઘની સંમતિ બાદ યોજવામાં આવી છે. કોંગ્રેસની સરકારમાં પ્રાથમિક શિક્ષણનો પાયો નબળો રહ્યો છે. જેથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી લેવામાં આવી રહી છે.

અનેક શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર નથી 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે મોટા ઉપાડે શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર તો કરી દેવાઈ છે પરંતુ કસોટીને લઈને હાલ વિવાદ વકરી રહ્યો છે. અનેક શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર નથી શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકાર યેન કેન પ્રકારે શિક્ષકો પરીક્ષા આપે અને સંખ્યા વધે તે માટે મથી રહી છે પરંતુ સરકારને એ પણ ચિંતા છે કે ૨૪મીએ જો મોટા ભાગના શિક્ષકો પરીક્ષા નહી આપે તો સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થશે.બીજી બાજુ ગુજરાત વાલી મંડળના પ્રમુખે શિક્ષકો વિરૃદ્ધ પત્ર લખી સરકારને કોઈ પણ રીતે પરીક્ષા યોજવા અને કસોટી માટે સમર્થન આપતા શિક્ષકો હાલ વિફર્યા છે.

સર્વેક્ષણ કસોટી રદ કરવા શૈક્ષીકસંઘનો ભારે વિરોધ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ શિક્ષકોએ સર્વેક્ષણ માટે પ્રવેશપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. સર્વેક્ષણ માટે શિક્ષકોની બેઠક વ્યવસ્થા તાલુકાકક્ષાએ ગોઠવવામાં આવશે. સર્વેક્ષણ રદ્દ કરવામાં આવે તે માટે કેટલાક ધારાસભ્યો અને સાંસદોએ પણ શિક્ષકોના સમર્થનમાં સરકારને રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.