Abtak Media Google News

હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા ક્રમે, બોલર્સમાં હેઝલવુડ પ્રથમ ક્રમે

ભારતીય ક્રિકેટ ટીમના ઈન-ફોર્મ બેટર સૂર્યકુમાર યાદવે ટી20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. આ સાથે પાકિસ્તાનના સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાન ફરીથી નંબર-1 બેટર બની ગયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી આઈસીસી ટી20 રેન્કિંગમાં બેટર્સ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ થોડા જ રેન્કિંગ પોઈન્ટના કારણે બીજા ક્રમે ધકેલાઈ ગયો છે. ટોચના સ્થાને રહેલા મોહમ્મદ રિઝવાન અને બીજા ક્રમે રહેલા સૂર્યકુમાર યાદવ વચ્ચે ફક્ત 16 રેન્કિંગ પોઈન્ટનું જ અંતર છે. રિઝવાનના 854 પોઈન્ટ છે જ્યારે સૂર્યુકમાર યાદવના 838 પોઈન્ટ છે. 2022માં ટી20માં સૂર્યકુમાર યાદવનું ફોર્મ શાનદાર રહ્યું છે. સાઉથ આફ્રિકા સામે મંગળવારે સમાપ્ત થયેલી ત્રણ ટી20 મેચની સીરિઝમાં તેણે બે અડધી સદી સાથે 119 રન નોંધાવ્યા હતા.

જોકે, 32 વર્ષીય સૂર્યકુમાર પાસે ફરીથી ટોચનું સ્થાન મેળવવાની તક રહેલી છે. જો સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો તે ફરીથી ટોચના સ્થાને પહોંચી શકે છે. રિઝવાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી સાત મેચની ટી20 સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને તે સીરિઝમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર રહ્યો હતો. તેણે 316 રન નોંધાવ્યા હતા. જોકે, તે છઠ્ઠી ટી20 મેચમાં રમી શક્યો ન હતો જ્યારે અંતિમ મેચમાં તે ફક્ત એક જ રન નોંધાવી શક્યો હતો જેના કારણે તેના રેન્કિંગ પોઈન્ટમાં થોડો ઘટાડો થયો હતો. પાકિસ્તાની સુકાની બાબર આઝમ ત્રીજા ક્રમે છે. અન્ય ભારતીય બેટરની વાત કરવામાં આવે તો ઓપનર લોકેશ રાહુલ સાત સ્થાનના કૂદકા સાથે 14માં ક્રમે પહોંચી ગયો છે. તેણે સાઉથ આફ્રિકા સામે લાજવાબ પ્રદર્શન કરતાં 108 રન નોંધાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડીકોક 12માં, રિલી રોસોઉ 20માં અને ડેવિડ મિલર 29માં સ્થાને આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.