ચરાડવા ગામની સીમમાં આડા સંબંધની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

અન્ય શખ્સ સાથે આડા સબંધ હોવાનુ કહી બેફામ માર મારતા મહિલાએ દમ તોડયો

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને બેફામ મારતા તેનું મોત નીપજતાં હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. પતિ, પત્ની ઓર વો ની સ્થિતિમાં મહિલાની લોથ ઢળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદના સુંદરગઢ ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાની શરીરના અલગ અલગ ભાગમાં ઇજા પહોંચેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી હત્યા થયાની આશંકાએ પેનલ પીએમ માટે સિવિલમાં ખસેડાયો હતો. જેમાં પોલીસને જાણવા મળ્યા મુજબ મૃતદેહ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રહેતી અને મજૂરી કામ કરતી મૂળ દાહોદ જિલ્લાના વતની ધનકીબેન ઉર્ફે ધનીબેન નામની 35 વર્ષની મહિલાની માથામાં અને શરીરના બીજા ભાગે ઇજા પહોંચેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ધનકીબેનના પતિના મોત બાદ તેઓએ છગન નવલા ડામોર નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ પહેલા છગન ડામોરે ધનકીબેનના પિતા નગરાભાઈ ભાભોરને ફોન કરી ધનકી બેનને પાનમ ગામના છનું નામના શખ્સ સાથે આડા સબંધ છે તેને સમજાવી દેજો તેવો ફોન કર્યો હતો.

પરંતુ ગત તા.4થી ઓગષ્ટના ગામના સરપંચએ નગરાભાઈને ફોન કરી તેમની પુત્રી ધનકી બેનની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ છગને જ ધનકી બેનને છનુ સાથેના આડા સબંધ બાબતે બેફામ માર માર્યો હતો. જેમાં મહિલાનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોતાની પત્નીએ દમ તોડતા પોલીસે છગન સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોધ હાથધરી છે.