રાજ્યસભાના 12 સાંસદોનું સસ્પેન્સન પાછું ખેંચાય તેવી શકયતા

સસ્પેન્ડ સાંસદો પોતાની ગેરવર્તણૂક અંગે માફી માગે તો તો તેઓ ઉપરની કાર્યવાહી રદ થઈ શકે છે

બીજા દિવસે સરકારને ભીડવા વિપક્ષે સત્ર પૂર્વે યોજી ખાસ બેઠક

અબતક, નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ હતી. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે તે માટે સસ્પેન્ડેડ સાંસદોએ પોતાની ગેરવર્તણૂક માટે માફી માંગવી પડશે.

ઓગસ્ટના રોજ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હંગામો થયો હતો. જેને લઈને 12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે કે આ સાંસદો સંદનની કાર્યવાહીમાં સામેલ થઈ શકશે નહીં. જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે તેમાં કોંગ્રેસના 6, તૃણમૂલ કોંગ્રેસના 2 અને શિવસેનાના 2 તથા સીપીએમ અને સીપીઆઈના એક એક સાંસદ સામેલ છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ હાલના સત્રથી સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના 12 સાંસદો આજે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી શકે છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સસ્પેન્ડેડ સાંસદ જો પોતાના વર્તન માટે માફી માંગે તો સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે વિપક્ષે તેને સરકારની તાનાશાહી અને ગળું ઘોંટનારું પગલું જણાવ્યું છે.

આ મુદ્દે આજે કોંગ્રેસે વિપક્ષની  બેઠક બોલાવી છે. જેમાં 15 પક્ષો સામેલ થઈ શકે છે. જો કે ટીએમસીએ પોતાને અલગ કર્યું છે. ટીએમસીએ અલગથી બેઠક બોલાવી છે. બીજી તરફ ગઈકાલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હોય બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પણ સરકારને ભીડવવા માટે વિપક્ષે સત્ર શરૂ થાય તે પૂર્વે સવારે 10 વાગ્યે ખાસ બેઠક યોજી હતી. જેમાં વિવિધ મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.