રાજકોટ કોર્પોરેશન દ્વારા કાલે સ્વનિધિ મહોત્સવ: આવાસના નંબર ફાળવવા ડ્રો પણ યોજાશે

મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે કાર્યક્રમ: સાંસદ કુંડારીયા-મોકરિયા ખાસ ઉપસ્થિત રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આવતીકાલે   સ્વનિધિ મહોત્સવ તથા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના આવાસોનો નંબર ફાળવણી ડ્રો  યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા  સ્ટે.કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એ જણાવ્યું હતુ કે, આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને શેરી ફેરિયાઓ અને તેમના પરિવારજનો માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. બુધવારના રોજ સાંજે 04:30 કલાકે,  અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે સ્વનિધિ મહોત્સવ તથા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના આવાસોનો નંબર ફાળવણી ડ્રોનો કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં ફેરિયા અને તેમના પરિવારજનો માટે લોન મેળો, “સ્વનિધિ સે સમૃધ્ધિ તક” હેઠળ સોશિયલ સિક્યુરીટીની વિવિધ યોજનાઓનો લાભ પ્રદાન કરવા માટે વિવિધ વિભાગો દ્વારા મેળાનું આયોજન, ફૂડ ફેસ્ટીવલ અંતર્ગત શેરી ફેરિયાઓના સ્ટોલ ઉપરાંત સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેંચાણ, સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ, “પી.એમ.સ્વનિધિ” યોજના આધારિત નાટક તથા કાર્યક્રમ પૂર્વેનાં દિવસોમાં ફેરિયાઓના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,  બહેનો માટે ગ્રીન સલાડ સુશોભન સ્પર્ધા, પૌષ્ટિક વાનગી હરીફાઈ, હોકર્સ ઝોનમાં સ્વચ્છતા ઝુંબેશ અને સુશોભન, બેંકો દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશનની તાલિમ અને ક્યુઆર કોડનું વિતરણ, પ્રિ-પ્રોગ્રામ ઇવેન્ટ આયોજનના ભાગરૂપે હેલ્થ ચેકઅપ કેમ્પ અને વેક્સિનેશન કેમ્પ વગેરે કાર્યક્રમોનું આયોજન છે.