Abtak Media Google News

રાજકોટની હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં ૨૧ પોઝીટીવ દર્દીઓ: આઠ શંકાસ્પદ જસદણના નાની લાખાવડની મહિલાએ રિપોર્ટ આવે તે પહેલાં દમ તોડયો

 

સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ સ્વાઇનફલુ સામે વામણું સાબીત થઇ રહ્યું હોવાથી સ્વાઇનફલુનું સંકટ વધી રહ્યું છે. ચાલુ વર્ષમાં સ્વાઇનફલુની બીમારીના કારણે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૫૦ દર્દીના મોત નીપજયા છે. સ્વાઇનફલુ વોર્ડમાં ૨૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૨૧ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જસદણ તાલુકાના નાની લાખાવાડની મહિલાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મૃત્યુ નીપજયું છે.

સ્વાઇનફલુનો ચેપી રોગ દિન-પ્રતિદિન આગળ વધી રહ્યો છે અને સ્વાઇનફલુના કારણે અનેક વ્યક્તિઓ ટપોટપ મરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇનફલુના દર્દીમાં નોંધપાત્ર વધારો થતા આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું હોય તેમ તકેદારી માટે જાહેર સુચના આપવાનું શ‚ કર્યુ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુના રોગચાળાને પહોચી વળતા ખાસ તૈયાર કરાયેલા વોર્ડમાં ૨૯ જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે તેમાં ૨૧ જેટલા દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને આઠ દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ગઇકાલે સ્વાઇનફલુના લક્ષણ સાથે જસદણના નાની લાખાવાડની ૫૫ વર્ષની મહિલાને દાખલ કરાયા બાદ તેણીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ આવે તે પહેલાં મોત નીપજ્યું હતું.

રાજકોટ ઉપરાંત જામનગર અને કચ્છની હોસ્પિટલમાં સ્વાઇનફલુ વોર્ડની સગવડ કરવામાં આવી છે રાજકોટની જેમ જામનગર અને કચ્છના સ્વાઇનફલુ વોર્ડમાં દર્દીઓ વધી રહ્યા છે. સ્વાઇનફલુએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને અજગર ભરડો લીધો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના સગા-સંબંધીઓને ચેપ ન લાગે તે માટે તકેદારીના પગલા લેવા સુચના આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.