- 200 કર્મચારીઓની ફાળવણી, ઇવીએમ મશીન સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા: એક-બે દિવસમાં તાલીમ અપાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્રએ કમરકસી છે. આજે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતા યોજાયેલી બેઠકમાં જિલ્લાની સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારો પર ચાપતી નજર રાખવા કલેકટરે આદેશ કર્યો હતો.
ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે 18મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.
ભાજપ અને કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવા માટે કમર કસી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લમેન્ટરી બોર્ડે 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મથી ચૂંટાતા અને ભાજપના નેતાના સગા-સંબંધીઓને આ વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય કરતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસે મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ ભાગ લઈ રહી છે, જેનાથી કોંગ્રેસની ચિંતા વધી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપણને એક પ્રશ્ર્ન થાય કે લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ યોજાય છે?
ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રભવ જોશીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી. જેમાં સંવેદનશીલ મથક વિસ્તારમાં કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં તેમજ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવી બાંહેધરી આપવામાં આવી. બેઠકમાં સ્ટાફનો ડેટાબેઝ, સ્ટોર રૂમ, ઉમેદવારોનું નોમિનેશન ફોર્મ, અને ઇવીએમ મશીનના મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.પ્રાંત ઓફિસ ખાતે ડેપ્યુટી કલેકટરને ઉમેદવારોએ નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.1 ફેબ્રુઆરી અને મતદાન તા.16 ફેબ્રુઆરીએ થશે તેમજ મતગણતરી તા.18મી ફેબ્રુઆરીએ યોજાશે. મતદાન સવારે 7 થી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે. જેમાં 38.86 લાખ મતદારો મતદાન કરશે.
ચૂંટણી જાહેર કરાયેલા વિસ્તારમાં તારીખ 21મી જાન્યુઆરીથી ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 200 કર્મચારીઓને તહેનાદ કરવામાં આવશે. એક-બે દિવસમાં કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.