રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 જંગ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર જાહેરાત: 7 મહિનામાં રાજકોટને બીજો ટી-20 મેચ મળતાં ક્રિકેટ રસીકોમાં ભારે ખુશાલી 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસીકો માટે સારા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યાં છે. આજથી બરાબર એક મહિના પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આજે આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

આગામી મહિને શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. તેઓ ભારતમાં ટી-20 મેચ રમનાર છે. જે પૈકી એક મેચ રાજકોટને ફાળવવામાં આવી છે. આગામી 7 જાન્યુઆરીના રોજ ખંઢેરી ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. વધુ એકવાર ક્રિકેટ રસીકો ક્રિકેટના રંગમાં રંગાઇ જશે.

ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ પૂર્વે અલગ-અલગ ટીમો સામે ચાર ટી-20 મેચ રમાઇ ચૂક્યાં છે. 10/10/2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20 મેચનું સાક્ષી બન્યું હતું. જ્યારે તા.04/12/2017ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલા બીજા ટી-20 મેચમાં ભારતનો પરાજય થયો હતો. તા.07/11/2019ના રોજ ભારતની ટક્કર બાંગ્લાદેશ સામે થઇ હતી. જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. જ્યારે ખંઢેરી ખાતે છેલ્લો ટી-20 મેચ આ વર્ષે જૂન મહિનાની ચોથી તારીખે સાઉથ આફ્રિકા સામે રમાયો હતો. બેટ્સમેનો માટેની સ્વર્ગસમી રાજકોટની વિકેટ પર ભારતીય ટીમે પ્રથમ દાવમાં નજીવો જુમલો ખડક્યો હતો. છતાં બોલરોની કમાલની મદદથી ભારત આ ટી-20 મેચમાં વિજેતા બન્યું હતું. રાજકોટની વિકેટ પર ભારતના વિજયની ટકાવારી ટી-20માં 75 ટકા જેવી છે. કારણ કે ચારમાંથી ત્રણ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. બીસીસીઆઇ દ્વારા માત્ર 7 મહિનાના ટૂંકાગાળામાં રાજકોટને સતત બીજો ટી-20 મેચ ફાળવવામાં આવતા ક્રિકેટ રસીકોની ખુશાલી આસમાને આંબી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે પણ રમાઇ ચુક્યાં છે. જેમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ટીમ સામે ભારતીય ટીમ વન-ડેમાં ટકારાઇ હતી. જ્યારે આ સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ પણ રમાઇ છે. જેમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે ટકરાઇ હતી.