Abtak Media Google News

 

આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય

 

અબતક,

સંજય દીક્ષીત, સાબરકાંઠા

ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ’ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.

જલિયાંવાલા બાગની ઘટનાના ત્રણ વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી આ ભીષણ ઘટનાને ઇતિહાસે ભૂલાવી દીધી હતી, પણ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઇતિહાસના આ પૃષ્ઠને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું હતું. આજે આ વિસ્તારમાં શહીદ સ્મૃતિ વન અને શહીદ સ્મારક આ હત્યાકાંડના સાક્ષી સમા ઉભા છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રસ્તુત થનારા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને ’કોલીયારીનો ગાંધી’ કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું  સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે. ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે, જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટનાની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કરશે.

ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરે છે.  ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે, ઢેખળીયો કૂવો અને દુધિયો કુવો; કે જે શહીદ આદિવાસીઓની લાશોથી ભરાઈ ગયા હતા તેનું નિરુપણ કરે છે.

ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે.  ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસીઓના શૌર્ય, સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે.

સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોની બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેર નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત પોષાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે.

પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટનાની પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની  શૌર્યગાથાનું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે. શ્રી મોતીલાલ તેજાવતને ’કોલીયારી નો વાણિયો ગાંધી’ જેવું સંબોધન કરતું આદિવાસીઓએ જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરાશે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ પ્રસ્તુત કરાતા આ ટેબ્લોના નિર્માણમાં સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ, માહિતી નિયામક  ડી. પી. દેસાઈ અને વિષય નિષ્ણાત,ઇતિહાસકાર-લેખક  વિષ્ણુભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં  પંકજભાઈ મોદી અને નાયબ માહિતી નિયામક  હિરેન ભટ્ટ યોગદાન આપી રહ્યા છે. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ પ્રાઇવેટ લિમિટેડના  સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે.

આઝાદીની સુવર્ણ જયંતીના આ અવસરે, આજે 100 વર્ષ પછી ગુજરાતના આદિવાસીઓનો સ્વાધિનતા સંગ્રામ પ્રજાસત્તાક પરેડના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે એ જ આઝાદી માટે શહીદ થઈ ગયેલા ગુજરાતના આદિવાસીઓને સાચી શ્રદ્ધાંજલિ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.