સૌરાષ્ટ્રના વિકાસનું ટેક ઓફ રેડી

સૌરાષ્ટ્રના વિકાસનું ટેક ઓફ રેડી થઈ ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના સાશનમાં રાજકોટને અનેક ભેટો આપી છે. જેમાં એઇમ્સ, હીરાસર એરપોર્ટ સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમાં હીરાસર એરપોર્ટ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે સૌરાષ્ટ્રભરના ઉદ્યોગોને મહત્વની આંતરરાષ્ટ્રીય કારગો સેવા આ ગ્રીન ફિલ્ડ એરપોર્ટના નિર્માણથી મળવાની છે.

સૌરાષ્ટ્રમાં ઉદ્યોગનો વ્યાપ ખુબ વધારે છે. ત્યારે આ ઉદ્યોગોમાં પ્રાણ પુરવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો મહત્વનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટથી ઉદ્યોગોની નિકાસમાં ખૂબ સરળ બનવાની છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટમાં કારગોની સેવાથી ઉદ્યોગો દેશ-વિદેશમાં ખૂબ સરળતાથી પોતાનો માલ પહોંચાડી શકશે. આ પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટર તંત્રએ પણ પૂરતી દરકાર લીધી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે. બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે. ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે

એરપોર્ટની નિર્માણની કામગીરી 24ડ્ઢ7 અવિરત ચાલી રહી છે, જેમાં 600 થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર અરુણ મહેશ બાબુ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.આ વેળાએ  મામલતદાર કથીરિયા,  તલાટી મંત્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.