Abtak Media Google News

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સાથેની નવી દિલ્હી ખાતેની બેઠક બાદ મંગળવારે વિવિધ કાપડ બજારના એસોસિએશનની અમદાવાદ અને સુરતમાં યોજાયેલી બેઠકમાં કાપડ બજારની હડતાળ આગામી ૫મી ઓગસ્ટ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે હવે અમદાવાદ સુરત અને દેશના કાપડ બજારો હવે તેમની કામગીરી શરુ કરશે. જો કે કાપડબજારના નેતાઓએ સરકાર સાથેની વાટાઘાટ બાદ પાંચમી ઓગસ્ટની જીએસટી કાઉન્સિલની મિટિંગ કે તે પહેલાં કાપડબજારોની માંગની તરફેણમાં નિર્ણય લેવાશે તેવી આશા બંધાઇ છે. એટલું જ નહીં અમદાવાદમાં મસ્કતી માર્કેટે તો એવી પણ જાહેરાત કરી છે કે હવે કાપડના વેપારીઓ જીએસટીનો નંબર પણ લેવાની શરૂઆત કરશે.અમદાવાદ મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે, કાપડ બજાર સાથે સંકળાયેલા મસ્કતી માર્કેટ મહાજન અને જીએસટી સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ અરૂણ જેટલી, પિયુષ ગોયેલ, સેક્રેટરી હસમુખ અઢિયા અને મનસુખ માંડવીયા સાથે મંગળવારે સવારે કરેલી મીટીંગને પગલે હડતાળ કે બંધને સમેટી લીધાં છે. સરકારે જીએસટી કાઉન્સિલની પાંચમી ઓગસ્ટે યોજાનારી બેઠક અથવા તે અગાઉ આ સેકટરમાટે ફાયદાકારક જાહેરાત કરાશે તેવી હૈયાધારણા આપી છે. જેને પગલે હવે અમે જીએસટીનો વિરોધ નહીં કરીએ, અને કામકાજ ચાલુ કરી રહ્યા છે.

ભગતે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સુરત, ગાંધીનગર કે નવી દિલ્હીમાં સરકાર સાથેની બેઠકોમાં રાજયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સવિશેષ ફાળો રહ્યો છે. જેને પગલે વાટાઘાટ સફળ થઇ હતી અને કંઇક પરીણામ આવે તેવી સંપુર્ણ આશા છે. અમે હવે બજારો ખોલી નાંખીશુ અને જીએસટી નંબર લેવાનુ ચાલુ કરીશું. અમને સરકારે જણાવ્યું કે, અમે છુટછાટ આપીશું. અને જીએસટીના અમલ સાથે અમને દેશની ઉન્નતિ માટે ચિંતા છે.

જીએસટી સંઘર્ષ સમિતિના સંયોજક તારાચંદ કાસટે જણાવ્યું હતું કે, સુરતમાં તમામ માર્કેટના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી, પાંચમી ઓગસ્ટની મિટિંગ સુધી હાલમાં આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તમામ કારોબાર અને માર્કેટ ફરી ચાલુ કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. અમને ભરોસો છે કે સરકાર અમારી માગ માનશે અમે કાઉન્સિલની આગામી મીટીંગ સુધી ઇંતજાર કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.