Abtak Media Google News

તાલાલાની આમ્રકુંજ સોસાયટીના વતની અને ભરૂડી ટોલ નાકા પાસે મહારાજા કોલ્ડ સ્ટોરેજનો ધંધો કરતા પટેલ યુવાનનું રાજકોટમાં દસ જેટલા શખ્સોએ બાઇકમાં અપહરણ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલાના વતની અને જીવરાજ પાર્કમાં આવેલા અંબિકા ટાઉનમાં આઠેક દિવસ પહેલાં મોટા બાપુના દિકરા મયુર અમૃતલાલ બાણુગારીયાને ત્યાં રહેવા આવેલા નિરજ મોહનભાઇ બાણુગરીયાએ સાગર રમણીક વિરડીયા અને દસ જેટલા અજાણ્યા શખ્સો સામે અપહરણ કરી માર માર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તા.2 એપ્રીલના રોજ પોતાના કપડા લેવા બાઇક લઇને ઘરેથી નીકળ્યો ત્યારે કોપર સેન્ડ એપાર્ટમેન્ટ પાસે મોટર સાઇકલ પર આવેલા અજાણ્યા શખ્સે અટકાવી ગાળો દઇ માર માર્યો તે દરમિયાન અન્ય ત્રણ જેટલા બાઇકમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને બળજબરીથી બાઇકમાં બેસાડી અવાવરૂ જગ્યાએ છરી બતાવી ઢોર માર મારી તારે શ્રૃતિ સાથે લગ્ન કરવા છે તેમ કહી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સુરત રહેતી શ્રૃતિ સાથે સગાઇની વાતચીત થતી હોવાથી સાગર વિરડીયા સહિતના શખ્સોએ શ્રૃતિ સાથે લગ્ન કરીશ તો તારા ઘરે આવી મારી નાખશુ તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એન.મોરવાડીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.