Abtak Media Google News

અફઘાનિસ્તાનની રાજકીય અસ્થિરતાની અસર રંગીલા રાજકોટના ઇમિટેશન માર્કેટ પર પણ પડી છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી અફઘાનિસ્તાનમાં ઇમિટેશન જ્વેલરી સહિતની ચીજવસ્તુઓની મોટાપાયે નિકાસ થાય છે. અફઘાનિસ્તાનના વેપારીઓ અહીં રૂબરુ મુલાકાતે આવી પણ ખરીદી કરે છે. પણ હાલ ડામાડોળ સ્થિતિને કારણે અંદાજે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડ્યા છે.

અફઘાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને અરાજકતા તેમજ તાલિબાનોના રાજના ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં પ્રત્યાઘાત પડ્યા છે. આયાત-નિકાસ પ્રભાવિત થતા સુરતના વેપારીઓના કરોડો રૂપિયાના વ્યવહારો પર સંકટ ઉભું થયું છે. સુરતના નિકાસકારો અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સના દલાલોના જણાવ્યા મુજબ અફઘાન સાથેની આશરે 400 કરોડ રૂપિયાની ચુકવણી અટવાઇ ગઇ છે. રાજકીય અશાંતિ અને અચોક્કસતાના પ્રમાણને જોતા ટૂંક સમયમાં કોરોડો રૂપિયાની ચુકવણી પ્રાપ્ત થશે કે નહીં તેવો વેપારીઓ ડર વ્યક્ત કરી રહ્યા છે.

સુરતમાં બનેલા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાનમાં ખૂબ વધારે માંગ છે. અફઘાનિસ્તાનના વેપારીઓ મહિલાઓ માટે તૈયાર વસ્ત્રો ખરીદવા માટે વારંવાર સુરત શહેરમાં આવતા. તેઓ ઉત્પાદનોને વ્યક્તિગત રીતે પસંદ કરતા હતા અને દિલ્હીમાં તેમના બિઝનેસ એસોસિએટ્સ મારફતે ચૂકવણી કરતા હતા. એક અંદાજ મુજબ દર મહિને ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાના વસ્ત્રો અફઘાનિસ્તાન મોકલવામાં આવે છે.

બહુવિધ નિકાસકારો માટે કામ કરતા બ્રોકર રાજુ ભાટિયાએ  કહ્યું કે કાપડ બજારમાં, ધિરાણનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિસ્તાન અથવા દુબઇ મારફતે અફઘાનિસ્તાનને પૂરા પાડવામાં આવતા માલમાં, ચુકવણી ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે. જો કે, હાલ અશાંતિના માહોલને કારણે ઘણા નિકાસકારોની લગભગ 400 કરોડ રૂપિયાની ચુકવણી અટવાઇ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.