વાત એક વિચિત્ર પરંપરાની…

એવી માન્યતા છે કે એમેઝોનના જંગલોમાં જે માણસ ભૂલો પડી જાય તે ક્યારેય ત્યાંથી બહાર નથી નીકળી શકતો

એક દશકા પહેલાં આવતી ભૂત-પ્રેતની ડરામણી સીરિયલની શરૂઆતમાં દર વખતે એક ડિસ્કલેઈમર આવતું કે કાચા-પોચાં હૃદયનાં વ્યકિતએ આ કાર્યક્રમથી દૂર રહેવું. આપણી વાતની શરૂઆત કરતાં પહેલાં પણ આવી જ એક નાનકડી અમથી ચેતવણી આપવાની ઈચ્છા છે! કારણકે કદાચ આને લીધે આપના દિલમાં દર્દ-પીડાની એક નાની તીસ જન્મી શકે છે.

યુટ્યુબ પર ‘બુલેટ એન્ટ રિચ્યુઅલ’ ટાઇપ કરશો એટલે આ વિડિયો સામે આવશે

આધુનિકતાની લ્હાયમાં આજે જયારે આપણે ફકત ‘હુંકાર’ નો સહારો લેતાં થઈ ગયા છીએ ત્યારે એવી દુનિયા પર પણ એક નજર ફેરવવી જરૂરી છે જેના માટે વિકાસ એ માત્ર એક અજાણ્યો-વણદેખ્યો શબ્દ છે! શહેરી સમાજ માટે તેર વર્ષની ઉંમર એ સપનાની દુનિયામાં પ્રવેશવાનું એક દ્વાર છે. ભારતમાં તો હજુય ઠીક છે, પરંતુ વિદેશોમાં તો ‘થર્ટીન’માં પહોંચવાનો જે આનંદ છે તે અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. કેટલાંક છોકરા-છોકરીઓ પોતાનાં માં-બાપથી છુટા પડીને સ્વતંત્ર ઘર વસાવવાનું શરૂ કરી દે છે તો કેટલાંક પાર્ટીઓ કરીને પોતાની ટીન-એજને આવકારે છે જયારે દુનિયાની અમુક પ્રજા એવી પણ છે જેમના માટે પુખ્તવયનું થવું એ નરકની યાતના ભોગવવા સમાન છે.

કોઈપણ દેશ ભલે ગમે તેટલો આગળ વધી જાય પણ તેનાં છૂટાંછવાયા ભાગોમાં કયાંક ને કયાંક દશકાઓ અગાઉ જીવી રહેલો આદિવાસીવર્ગ જેવા મળશે જ! જે તેમને આદિમાનવ કાળની યાદ અપાવશે. વિશ્વમાં સૌથી ગૂઢ અને ગાઢ જંગલોમાં સ્થાન પામનારૂં એમેઝોનનું જંગલ કંઈ કેટલાંક રહસ્યો અને વિવિધ પ્રકારના જીવજંતુઓની પ્રજાતિઓથી ભરપૂર છે. એવી માન્યતા છે કે એમેઝોનનાં જંગલોમાં જે માણસ ભુલો પડી જાય તે ક્યારેય ત્યાંથી બહાર નથી નીકળી શકતો. દાયકાઓથી આ જંગલમાં વસવાટ ધરાવનારી ‘સતેરે-માવે’ નામની આદિવાસી પ્રજા, પોતાની પરંપરાઓ માટે ઘણી પ્રખ્યાત છે.

લગભગ 13,350 લોકોની આ નાનકડી કમ્યુનિટીમાં જયારે એક બાળકનો જન્મ થાય છે ત્યારથી લઈને 12 વર્ષ સુધી તેને માતા સાથે વધુ રાખવામાં આવે છે. બાર વર્ષ પૂર્ણ કર્યા બાદ દરેક છોકરાએ પોતાનાં પિતા સાથે રહેવા માટે અને બહારની દુનિયામાં પગ મૂકી ઘરનું ગુજરાન ચલાવવા માટે એક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જેનું નામ છે ‘બુલેટ-એન્ટ રિચ્યુઅલ’! સાદી ભાષામાં સમજાવવું હોય તો બુલેટ એન્ટ એટલે એવા પ્રકારની કીડીની જાત, જેનો એક ડંખ પણ બંદુકની ગોળી સમાન દર્દનાક હોય છે.

બહારની દુનિયા સાથે ન્યુનત્તમ સંબંધ ધરાવનાર સતેરે માવે પ્રજા પોતાની આ પરંપરાને ‘સન્સ ઓફ ગુઆરના’ તરીકે પિછાણે છે. કબીલામાં વસનાર છોકરાના બાર વર્ષ પૂરા થતાં સાથે જ તેમને એમેઝોનનાં ગાઢ જંગલમાં બુલેટ એન્ટને પકડી લાવવા માટે મોકલાય છે. સામાન્યત: સતેરે માવે પ્રજા એમેઝોનમાં બ્રાઝિલિયન ભાગોમાં રહેણાંક ઘરાવે છે. બાર-બાર વર્ષના ટેણિયાઓ જંગલામાં જઈને એક ઈંચ લાંબી બુલેટ એન્ટને ડબામાં ભરી લાવીને પોતાના સરદારને સોંપે છે. કબીલાનો વડો આ ત્રણ-ચાર ડઝન બુલેટ-એન્ટને ઝાડ-પાનમાંથી બનાવવામાં આવેલ નશાકારક દવાઓનાં પ્રવાહી મિક્ષણમાં ભેળવે છે. જેથી તમામ કીડીઓ એકાદ કલાક માટે બેહોશ થઈ જાય છે, તેમની હલનચલન અટકી જાય છે.

ત્યારબાદ કબીલામાંના અન્ય લોકો કીડીઓને જાડા ઊન અને ઝાડના પાનમાંથી બનાવેલ હાથ-મોજામાં ચીટકાવવાનું શરૂ કરે છે. કીડીનું મોઢું બહારની બાજુ તથા ડંખ મોજાની અંદરની બાજુ રહે તેવી ગોઠવણી કર્યા બાદ એક કલાકના અંતરાલે જયારે આ કીડીઓ ભાનમાં આવે છે ત્યારે પહેલા વધુ ખતરનાક અને હિંસક બની ચુકી હોય છે. પોતાની જાતને મોજામાંથી છોડાવવા માટે તે તરફડિયા મારતી હોય છે. બરાબર આ સમયે એ નાનકડા તેર વર્ષના છોકરાનાં નાજુક હાથોને મોજાની અંદર ઘુસાડવામા આવે છે. સતત દસ મિનિટ સુધી આ હાથોને અંદર જ રહેવા દઈ છોકરા સાથે દરેક આદીવાસી પોતાનું પારંપરિક-નૃત્ય ચાલુ કરે છે.

આ વિધિ કરવા પાછળ સતેરે-માવે પ્રજાની વર્ષો જુની માન્યતા એ છે કે આનાથી છોકરાનાં શરીરમાં રહેલું બાળક હવે મર્દ બનવાની તૈયારી કરી રહ્યું છે! વધુમાં વધુ પીડા-દર્દ આપીને તેને એ વાતો અહેસાસ કરાવવામાં આવે છે કે ટૂંક સમયમાં જ યુવાને પોતાની અસલ વાસ્તવિક જિંદગીમાં પગ મૂકવાનો છે. અહીં એક વાત નોંધવી જરૂરી બની જાય છે કે બુલેટ-એન્ટનો એક નાનકડો ડંખ લગભગ ત્રીસ મધમાખીઓનાં સામટા ડંખ જેટલો પીડાદાયક હોય છે. ‘સ્મિથ સ્ટિંગ પેઈન ઈન્ડેક્ષ’નાં લિસ્ટમાં એવા જંતુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ડંખ દે છે. બુલેટ-એન્ટ આ યાદીમાં પ્રથમ નંબરે છે! યુવાનીમાં પગ મૂકી રહેલ આ બાળકની હથેળીઓને મોજામાં ઘુસાડતાં પહેલા તેના આખા હાથને ચારકોલ (લાકડાના કોલસા) વડે રંગવામાં આવે છે જેથી તેની ગંધથી ચીડાઈને કીડીઓ વધુ આક્રમકતાથી ડંખ મારે!

એક બુલેટ-એન્ટનો ડંખ માણસને ચોવીસ કલાક માટે પેરાલીટિક (લકવાગ્રસ્ત) બનાવી શકે છે, જયારે આ તો આખું ઝૂંડ એક નાનકડા બાળક પર તૂટી પડે છે. દસ મિનિટનો સમય પૂરો થતાંની સાથે જ યુવાનના હાથોને, મોજામાંથી બહાર કાઢવામાં આવે છે, જે ભયાનક રીતે ધ્રુજતા હોય છે. ચોવીસથી અડતાળીશ કલાક માટે તેના ખભાથી લઈને હથેળી સુધીનો ભાગ લકવાગ્રસ્ત બની જાય છે અને આખું શરીર અકલ્પનીય-અસહનીય દર્દનો ભોગ બની ધ્રુજતુ રહે છે. સમગ્ર વાતાવરણ બાળકની ચીસાચીસ અને રૂદનથી ગૂંજતુ રહે છે.

હવે જો તમે એમ માનતાં હો કે આ સાથે વિધિનો અંત આવી ગયો તો જરા થોભો, કારણ કે આ તો હજુ માત્ર શરૂઆત છે! કબીલાનો નિયમ એવો છે કે જયાં સુધી યુવાનની ચીસો બંધ ન થાય તથા તેની આંખોમાંથી આંસુનું એક બુંદ પણ ન ટપકે ત્યાં લગી દર મહિને આ વિધિ થતી રહેવી જોઈએ. હવે એ બાળકની હાલત વિચારી જુઓ જેના પર આ વિધિ થઈ રહી છે. બુલેટ-એન્ટનો એક ડંખ પણ જ્યાં ભલભલા લોખંડી માણસને રડવા પર મજબૂર કરે તેવો હોય છે ત્યાં બાર વર્ષના એ ભુલકાની પીડાનો વિચાર કરતાં હૃદય કાંપી ઉઠે છે. ઘણીવાર એવું પણ બન્યું છે કે સહન ન કરી શકવાના લીધે બાળકે ઘણાં વર્ષો સુધી આ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડયું હોય! સતેરે-માવેનો આગેવાન એવું માને છે કે જિંદગીમાં પરિશ્રમ કર્યા વગર કે દર્દ સહન કર્યા વગર કશુંય પ્રાપ્ત નથી થઈ શકતું. આ પરંપરા બાળકને મનથી મજબુત બનાવી તેને મર્દાનગી અપાવવામાં મદદ કરે છે.

દરેક બાળક પાસે વીસ વખત આ પરંપરાનું પુનરાવર્તન કરાવવામાં આવે છે. બાદમાં દરેક પરિવારમાં થાય છે તેમ, યુવાનને તેના પિતા સાથે કામ કરવા મોકલી અપાય છે. એમેઝોનના જંગલમાં શિકાર કરવા જવું કે પછી દરિયાકિનારે બેસીને માછલા પકડવા જેવી પ્રવૃતિઓમાં તેમને વ્યસ્ત કરી દેવામાં આવે છે. સમય જતાં શરીર પરના ઘા તો બુરાઈ જાય છે. પરંતુ મન-મસ્તિષ્કે સહન કરેલા દર્દની કાળી ચીસો ક્યારેય ભૂંસી નથી શકાતી. નેશનલ જીઓગ્રાફી ચેનલે આખી પરંપરાને પોતાનાં કેમેરામાં કેદ કરી છે. યુટ્યુબ પર ‘બુલેટ એન્ટ રિચ્યુઅલ’ ટાઈપ કરશો એટલે આ વીડીયો સામે આવશે. ‘બ્રેવ વાઈલ્ડરનેસ’ નામની યુટયુબ ચેનલ પર એક વ્યકિત એવો પણ છે જે અલગ-અલગ જીવજંતુઓ દ્વારા ડંખ ખાઈને અખતરા કરવામાં માને છે. પ્રોગ્રામનું નામ છે ‘બ્રેકિંગ ટ્રેઈલ’! આ માણસનાં હાલમાં યુટ્યુબ પર લાખો સબસ્ક્રાઈબર્સ છે. તેણે આજ દિન સુધીમાં વેલ્વેટ એન્ટ, ફાયર એન્ટ, ટેરેન્તુલા હોક જેવી ખતરનાક કીડીઓ પાસેથી ચટકાં ખાધાં છે. પોતાનાં એક વિડીયોમાં તેણે બુલેટ-એન્ટનો ડંખ પણ સહન કર્યો છે. પેલા આદિવાસીઓની વેદના સમજવી હોય તો આ વિડીયો તો ખાસ જોવો રહયો કારણ કે માત્ર એક બલેટ-એન્ટની એ માણસ પર કેવી અસર થાય છે તેના પરથી કલ્પના તો થઈ જ શકાશે કે એક સાથે ચાર-પાંચ ડઝન બુલેટ એન્ટ બાળક પર હુમલો બોલી દે ત્યારે તેની શું હાલત થતી હશે!

તથ્ય કોર્નર
એમેઝોનના જંગલો એકલા જ વિશ્ર્વનો 20 ટકા ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે છે.

વાઇરલ કરી દો ને
કહેવાય છે કે મર્દકો દર્દ નહીં હોતા…કેટલીક જગ્યાએ તેને થોડું વધુ સિરિયસ લઇ લેવાય છે!