Abtak Media Google News

Table of Contents

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વખાણ કરતું વડાપ્રધાનનું ટ્વીટ શું કબૂતર જા…જા…જા…ના સંકેત?

પુત્રની ખરાબ તબિયતના કારણે ભૂપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય લીધો હોવાની સોશિયલ મીડિયા પર ચાલતી અટકળોમાં થોડા ઘણા અંશે દમ પણ દેખાઇ રહ્યો છે

ગુજરાતના નવા નાથ તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા પર પસંદગીનું કળશ ઢોળાય તેવી ભાજપના કાર્યકરોમાં જ જોરદાર ચર્ચાઓ

15મી ગુજરાત વિધાનસભાનું ગઠન અને બીજી વખત ભૂપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને હજુ છ મહિના જેવો સમય પસાર થયો છે. ત્યાં ફરી એક વખત ગુજરાતમાં ભાજપ પરિવર્તન કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વાત હાલ અફવાથી કશું જ વિશેષ લાગતું નથી. પરંતુ જે રિતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે દિવસ પૂર્વે ટ્વીટ કરી ભૂપેન્દ્રભાઇ પટેલના વખાણ કર્યા તે જોતા એવી અટકળો પણ ચાલી રહી છે કે હવે તેઓને માનભેર વિદાય આપી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીને આડે હવે 10 માસથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે સતત ત્રીજી વખત રાજ્યની લોકસભાની તમામ 26 બેઠકો તોતીંગ લીડ સાથે જીતવા માટે ભાજપ પાસે હાલ નેતૃત્વ પરિવર્તનનો યોગ્ય સમય હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ભૂપેન્દ્રભાઇ પટેલે પોતાના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યાના બીજા જ દિવસે નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહ સમક્ષ મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી દીધી હતી. આટલું જ નહિં તેઓ ધારાસભ્ય પદે પણ ચાલુ રહેવા માંગતા નથી. તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. છેલ્લા ચારેક દિવસથી આ વાતો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. દરમિયાન પોતાના પુત્રને સારવાર માટે મુંબઇ લઇ જવા માટે જે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો ખર્ચ સરકારની તીજોરી પર નાંખવાની બદલે ખૂદ ભૂપેન્દ્રભાઇ પટેલે પોતે ભરપાઇ કર્યો હતો.

ચાર થી પાંચ વખત પુત્રની તબિયતના ખબર-અંતર લેવા માટે તેઓ પ્લેનમાં ઇકોનોમી ક્લાસમાં મુંબઇ ગયા હતા. આ ઘટનાની ખૂબ જ સરાહના થઇ રહી છે. ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરી ભૂપેન્દ્રભાઇની સાર્વજનિક જીવનમાં નીતીમત્તા અને સાદગીની સરાહના કરી હતી. સામાન્ય રીતે સમાજમાં એક પ્રણાલી બંધાઇ ગઇ છે કે જ્યારે કોઇ વ્યક્તિનું વિદાય આપવાની હોય ત્યારે તેના વખાણ કરવામાં આવતા હોય, ભૂપેન્દ્રભાઇ પટેલની મુખ્યમંત્રી પદ છોડવાની વાતનો વડાપ્રધાન દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો હોય તેવું આ ટ્વીટ પરથી લાગી રહ્યું છે.

ભૂપેન્દ્રભાઇ પટેલ સજ્જન અને ખૂબ જ સારા વ્યક્તિ છે. તેમાં શંકાને રતિભાર પણ સ્થાન નથી. પરંતુ તેઓ કુશળ વહિવટ કરતા ન હોવાની વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. તેઓ મુખ્યમંત્રી હોવા છતાં અન્ય નેતા સુપર સીએમ બની વહિવટી ચલાવી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઇ છે. પુત્ર અનુજની તબિયત લથડ્યા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલના બોડી લેંગ્વેજમાં પણ પરિવર્તન દેખાઇ રહ્યું છે. તેઓ શક્ય તેટલા ઝડપી સીએમ પદ છોડવા માંગે છે તેવા હાલ જે મેસેજ ચાલી રહ્યા છે. તે વાત સાવ હસીને કાઢી નાંખવા જેવી નથી. કારણ કે તેમાં પણ અનેક તથ્યો દેખાઇ રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીના સવા વર્ષ પહેલા ગુજરાતમાં ભાજપે નેતૃત્વ પરિવર્તનનું બ્યૂંગલ ફૂંક્યુ હતું અને વિજયભાઇ રૂપાણી પાસેથી રાજીનામું લઇ મુખ્યમંત્રી પદ સહજ અને સરળ સ્વભાવના એવા ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપી દેવામાં આવ્યું હતું. ત્યારે જ એવી વાત ચાલતી હતી કે બીજી ટર્મમાં ગુજરાતના સીએમ પદે નવો જ ચહેરો હતો. જો કે, હાઇકમાન્ડે આવુ ન કર્યું અને ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને રેકોર્ડબ્રેક 156 બેઠકો પર જીત હાંસલ કરી. આવામાં જો એક વહિવટી અકુશળતાનું પ્રારંભ દર્શાવીને નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તો જનતાના રોષનો ભોગ બનવું પડે.

ખૂદ ભૂપેન્દ્રભાઇ પટેલે જો સામેથી પારિવારિક કારણો સબબ મુખ્યમંત્રી પદ છોડવાની ઓફર આપી હોય તો ભાજપ હાઇકમાન્ડ આ ઓફર જતી ન કરે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે હાલ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તો તેની કોઇ અસર પડે તેમ નથી. કારણ કે લોકસભાની ચૂંટણીને હજુ 10 મહિનાની વાત છે જ્યારે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીને અઢી વર્ષથી પણ વધુનો સમયગાળો બાકી છે. વર્ષના અંતે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેમાં સ્થાનિક મુદ્ાઓ અસર કરતા હોય છે. નેતૃત્વ પરિવર્તન કોઇ ખાસ મુદ્ો રહેતો નથી.

હાલ ચાલતી અટકળો મુજબ જો ભાજપ હાઇકમાન્ડ ભૂપેન્દ્રભાઇ પટેલની માંગણીનો સ્વિકાર કરી તેઓને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરશે તો ગુજરાતના નવા સીએમ તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું નામ સૌથી ટોપ પર ચાલી રહ્યું છે. સાથોસાથ પૂર્વ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. રાજ્યમાં તાત્કાલીક અસરથી નેતૃત્વ પરિવર્તન કરવું પડે તેવો કોઇ જ મુદ્ો નથી. પરંતુ જો ભૂપેન્દ્રભાઇ સીએમ પદ છોડવાની હઠ લઇને બેઠક હોય તો હાઇકમાન્ડ પાસે કોઇ વિકલ્પ બચ્યો નથી. રાજ્યમાં હાલ એકપણ એવા નેતા નથી કે જેને ભૂપેન્દ્રભાઇ પટેલના બદલે ગુજરાતની કમાન સોંપી શકાય કારણ કે વિધાનસભાની ગત ચૂંટણીમાં તમામ સિનિયર નેતાઓની ટિકિટ કાપી નાંખવામાં આવી હતી.

આવામાં હાઇકમાન્ડ સિનિયર નેતા સાથે વહિવટી તંત્ર પર પણ પકડ ધરાવતા હોય તેવા વ્યક્તિને ગુજરાતની ગાદી સોંપે તેવું મનાઇ રહ્યું છે. ડો.મનસુખ માંડવીયા શરૂઆતથી જ મોદી અને શાહના ગુડ બુકમાં રહ્યા છે. આવામાં તેઓને દિલ્હીથી ફરી ગુજરાત પરત મોકલવામાં આવે અને છ માસમાં રાજ્યમાં તોતીંગ બહુમતી છતાં નેતૃત્વ પરિવર્તનનો જો નિર્ણય લેવામાં આવે તો તેને જનતા અને કાર્યકરો સરળતાથી પચાવી શકે તે રીતનું વાતાવરણ ઉભું કરવામાં સફળ રહે તેવા નેતાની પસંદગી કરવામાં આવશે. હાલ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની વાત સંપૂર્ણપણે અફવા માની લેવામાં આવે તો પણ ભાજપના અંદરખાને મોટી સખળ-ડખળ ચાલતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ડો.મનસુખ માંડવીયા અને ભીખુભાઇ દલસાણીયાના નામની જોરદાર ચર્ચા

મુખ્યમંત્રી છોડવા માટે ભૂપેન્દ્રભાઇ પટેલ અડગ છે. તેઓને રાહ જોવા માટે મોદી અને શાહ દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં તેઓએ સ્પષ્ટપણે એવું જણાવી દીધુ હોવાની ચર્ચા ચાલી રહી છે કે શક્ય તેટલા ઝડપી તેમને સીએમની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે. જો આ વાત ખરેખર સાચી હોય તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે બે નામો ચર્ચામાં છે. જેમાં પ્રથમ નંબરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. કારણ કે તેઓ સરકાર અને સંગઠન બંનેનો ખૂબ જ વ્યાપક અનુભવ ધરાવે છે. બીજી તરફ પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાના નામની પણ હાલ ચર્ચા ચાલી રહી છે. આ બે પૈકી ગમે તે એકને ગુજરાતની ગાદી સોંપી દેવામાં આવશે. અન્ય એક નામ તરીકે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયાનું નામ પણ અંદરખાને ચર્ચાઇ રહ્યું છે.

સરકાર અને સંગઠનમાં ફેરફારની ભરપૂર સંભાવના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક વિજય થયો હોવા છતાં ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણી પહેલા સરકાર અને સંગઠનમાં ધડ-મૂળથી ફેરફાર કરવાના મૂડમાં છે. ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી પદ છોડી રહ્યા હોવાની વાતો છેલ્લા ચારેક દિવસથી સોશિયલ મીડીયા પર ચાલી રહી છે. બીજી તરફ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજભવન ખાતે એક કલાકના વિરામ દરમિયાન સીએમ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષને મળવા ન બોલાવતા આ અટકળો વધુ તેજ બની જવા પામી છે. આગામી એકાદ પખવાડીયું ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સરકાર અને સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે તેવું પણ અંદરખાને ચર્ચાઇ રહ્યું છે.

લોકસભાની ચૂંટણી માટે નવા સીએમને સમય મળી રહે તે માટે ખૂબ જ ઝડપી નિર્ણય લેવાય તેવી શક્યતા

લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યું છે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠકો જીતવી જ પડે. જો અત્યારના સમયને ધ્યાનમાં રાખવામાં આવે તો લોકસભાની ચૂંટણીને આડે વધીને 10 માસનો સમયગાળો બાકી રહ્યો છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તે નિશ્ર્ચિત બની ગયું છે.

લોકસભાની ચૂંટણીની તૈયારી માટે નવા મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે ગુજરાતમાં સરકારમાં મોટાપાયે ફેરફાર કરવાનો નિર્ણય થોડા દિવસોમાં જ લઇ લેવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યું છે. માત્ર લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો નહિં પરંતુ રેકોર્ડબ્રેક લીડ સાથે ફતેહ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે. જો નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય પાછો ધકેલવામાં આવે તો બની શકે કે તેની ઊંધી અસર પડે. લોકસભામાં એકપણ બેઠકની નુકશાની ગુજરાતમાં ભાજપને પાલવે તેમ નથી. આગામી દિવસોમાં કોઇ મોટા નિર્ણય ધડાકાની સંભાવના દેખાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.