Abtak Media Google News

રાષ્ટ્રીય-રાજ્ય ધોરી માર્ગો પર અકસ્માતના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજરોજ રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. હાઈ-વે પર એક ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા બસમાં આગ ભભૂકી હતી. બસ આગમાં લપેટાતા આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકો ભડથું થયા છે.

અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર જામ થઈ ગયો હતો. અહેવાલ અનુસાર, અકસ્માત સમયે બસમાં 25 લોકો સવાર હતા. વહીવટીતંત્રને 10 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે 12 લોકો મોતને ભેટ્યા હોવાનું જણાવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Whatsapp Image 2021 11 10 At 12.33.56 Pm

રોંગ સાઇડથી આવતા ટેન્કરે મારી હતી ટક્કર
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે બસ બાલોત્રાથી સવારે 9:55 વાગ્યે નીકળી હતી. આ દરમિયાન રોંગ સાઇડમાં સામેથી આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ આગમાં લપેટાઇ ગઈ. જોકે, 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનની સાથે પચપાદરાના ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ, ડિવિઝનલ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.