અબડાસામાં ‘તાઉતે’ વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ, 24 ગામોનું કરાયું સ્થળાંતર

રમેશ ભાનુશાલી, અબડાસા કચ્છ: ગુજરાતમાં અત્યારે ‘તાઉતે’ વાવાઝોડાંનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટે તંત્રો દ્વારા પહેલેથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે. જયારે કચ્છમાં તાઉતે વાવાઝોડાની આફતને લઈને દરિયાઇ વિસ્તાર લેખાતા અબડાસા પંથકમાં તકેદારી વધારી દેવાઈ છે.


વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ત્રાટકવાનું હોવાથી મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અબડાસામાં ‘તાઉતે’ વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા કરાયેલ કામગીરીનો પ્રાંત અધિકારીએ ચિતાર આપ્યો હતો. પ્રાંત અધિકારીએ પોતે ભારાવાંઢ, ભગોરીવાંઢ, મોહા ડી, જખૌ બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી.

પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતએ કહ્યું કે, ‘હાલ અબડાસા તાલુકાના 24 ગામો ખાલી કરાવાયા છે. 2400ની વસ્તી ધરાવતું જખૌ ગામ ખાલી કરી દેવાયું છે. લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થળાંતરિત કેન્દ્રોમાં લોકોને જમવાની સવલત આપવામાં આવી રહી છે. અબડાસા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી, હોર્ડિંગ્સ દૂર કરી લેવામાં આવ્યા છે.


પ્રવીણસિંહ આગળ વાત કરતા જણાવ્યું છે કે, ‘તાલુકાના કાંઠાલ વિસ્તારના 24 ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. ખાસ તો દરેક ગામમાં તલાટી અને પોલીસને જવાબદારી સોંપાઈ છે. ત્રણ ગામ દીઠ નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારીને ફરજ અપાઈ છે, તો મામલતદાર અને ટીડીઓને 12-12 ગામના ઈન્ચાર્જ બનાવી દેવાયા છે. અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે ડેન્જર સિગ્નલ નંબર 8 લગાવી દેવાયું છે. તાલુકામાં સાયકલોનના કારણે ઓછી નુકશાની અને જાનહાની થાય એ દિશામાં તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.