રાજકોટ કલેક્ટર કચેરીમાં માર્ચના પ્રથમ સપ્તાહથી ઈતિહાસ વિભાગ કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક

અબતક, રાજકોટ

કલા અને સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરની ઓળખ અને સંરક્ષણ કરવુ એ આપણી અગત્યની નૈતિક જવાબદારી છે એવી સ્પષ્ટ વિચારધારા ધરાવતા રાજકોટ કલેકટર મહેશ બાબુએ રાજકોટ શહેર અને જિલ્લાની કલા અને સંસ્કૃતિની ઐતિહાસિક ધરોહર પ્રત્યેના જાગરણ, સંરક્ષણ અને દસ્તાવેજીકરણની અનિવાર્યતાને ધ્યાને લઈને રાજકોટ કલેકટર કચેરી ખાતે અલાયદા ’ઈતિહાસ વિભાગ’ની રચના કરવાનો નિર્ણય કરેલ છે. આ વિભાગ આગામી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી કાર્યરત થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે અનુકરણીય પગલું બીજા અથવા ત્રીજા માળે મુકાશે વસ્તુઓ: કચેરીની દીવાલો ઊંચી બનાવી તેમાં પણ ચિત્રો દોરવાનું ગોઠવાતું આયોજન

પ્રસ્તાવિત ’ઈતિહાસ વિભાગ’ માં રાજકોટ શહેર તથા જિલ્લાનાં ભવ્ય ઈતિહાસ સંબંધિત દસ્તાવેજો, ચિત્રો, ફોટાઓ, ફિલ્મો, શ્રાવ્ય સંગ્રહ, કૃતિઓ, રચનાઓ વિગેરેનાં અવિરત એકત્રિકરણ તથા સંગ્રહ તેમજ જનસામાન્ય દ્વારા તેના ઉપયોગ તેમજ આ સર્વે માહિતીઓના ડિઝીટાઈઝેશન થકી મહતમ લોકભોગ્ય બને તેવા પ્રયાસો કરવામાં આવશે.

ઇતિહાસ વિભાગમાં જૂની પુરાણી વસ્તુઓ તેમજ દેશની આઝાદી સાથે સંકળાયેલા પ્રાચીન સાહિત્ય, પત્ર અને વસ્તુઓ એકત્ર કરી મુકવામાં આવશે. આ વિભાગ કલેક્ટર કચેરીના બીજા કે ત્રીજા માળે બનાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. આવી વસ્તુ જો કોઈ પાસે હોય અને તેઓ પ્રજા સમક્ષ મુકવા ઇચ્છતા હોય તો તેઓને પણ કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. જે લોકો વસ્તુ આપશે તેઓનું નામ સોર્સમાં લખવામાં આવશે.

વધુમાં મળતી માહિતી મુજબ એવું પણ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે કે કલેક્ટર કચેરીની જે બાઉન્ડ્રી વોલ છે. તેને ઉંચી બનાવીને ત્યાં ઇતિહાસને ઉજાગર કરતા ચિત્રો દોરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આ પ્રોજેક્ટ માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ રોજ આ પ્રોજેક્ટ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં સ્ટેટ આર્કોલોજીસ્ટની ટિમ પણ ઉપસ્થિત રહી હતી.