Abtak Media Google News

વેરા વળતર યોજનામાં રૂ.૧૨૯ કરોડની આવક: ગત વર્ષની સરખામણીએ ૪૨ હજાર કરદાતાઓ વધ્યા છતાં આવકમાં ૧૪ કરોડનું ગાબડુ

ચાલુ નાણાકીય વર્ષથી ટેકસ બ્રાન્ચ દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે. નવા કરમાળખાથી સમગ્ર સીસ્ટમ ખોરવાઈ જવા પામી છે. કેટલાક કરદાતાઓના વેરામાં તોતીંગ વધારો થયો છે તો અનેકના વેરા ઘટયા છે. દરમિયાન વાંધા અરજી કરનાર ૧૭૩૫૫ કરદાતાઓના વેરામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં રૂ.૧૨૯ કરોડની આવક થવા પામી છે.

આ અંગે ટેકસ બ્રાંચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ચાલુ નાણાકીય વર્ષથી કાર્પેટ એરીયાની અમલવારી કરવામાં આવી છે. જેની સામે આજ સુધીમાં ૧૭૬૯૬ કરદાતાઓએ વાંધા અરજીઓ કરી છે. અત્યાર સુધીમાં ૧૭૩૫૫ વાંધા અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ૩૪૧ વાંધા અરજીઓ પેન્ડીંગ છે જેના નિકાલ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

વાંધા અરજી કરનાર મોટાભાગના અરજદારોને વેરામાં ઘટાડો થયો હોવાનું ટેકસ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું. જે કરદાતાને વેરામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે તેવી ૩૯ હજાર મિલકતોનો રી-માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૭૦૦૦થી વધુ મિલકતોની રી-માપણી કરી દેવામાં આવી છે.

૨૨૩૩૩ મિલકતોનું લીંકઅપ કરવામાં આવ્યું છે જયારે ૧૯૬૦૩ મિલકતોનો કાર્પેટની ડિટેઈલ મેળવવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં મહાપાલિકાની રૂ.૧૨૯ કરોડની આવક થવા પામી છે. ૨.૩૬ લાખ કરદાતાઓએ એડવાન્ટ ટેકસ ભર્યો છે. ગત વર્ષની સરખામણીએ કરદાતાની સંખ્યામાં ૪૨ હજારનો વધારો નોંધાયો છે. જો કે આવકમાં ૧૪ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વેરા વળતર યોજના પૂર્ણ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.