Abtak Media Google News

સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને દુકાનો બંધ કરાવવાનો અથવા સમય ઘટાડવાનો નિર્ણય ઇન્સીડન્ટ કમાન્ડર લઈ શકશે: ધોરાજીમાં ચા-પાનની દુકાનો આજથી સજ્જડ બંધ: જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને કલેકટર રેમ્યા મોહને પ્રસિદ્ધ કર્યું ખાસ જાહેરનામું

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પાન- માવાની દુકાનો ઉપર એક અઠવાડિયા માટે પ્રતિબંધ જાહેર કરવાની વિચારણા ચાલી રહી હતી. જો કે અંતે સત્તાવાર જાહેરનામાં દુકાનો ખુલ્લી રાખવાનું જ જણાવાયું છે. પરંતુ દુકાનદારો માટે ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ દુકાનદારોએ ગ્રાહકોને વસ્તુ આપીને તુરંત જ રવાના કરી દેવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું પડશે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. અગાઉ દરરોજ આવતા સરેરાશ કેસોની સાપેક્ષે હાલ દરરોજ ત્રણથી ચાર ગણા કેસો આવી રહ્યા છે. સામે હોસ્પિટલમાં પણ બેડ ઘટે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજકોટ જિલ્લાની અમદાવાદ જેવી હાલત ન થાય તે માટે વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પાન- ચાની કેબીનો ઉપર પ્રતિબંધ જાહેર કરવાની વિચારણા ચાલી રહી હતી. જો કે આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા તે વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

આ જાહેરનામામા જણાવાયું છે કે પાન- માવા અને ચાની દુકાનો, લારીઓ તથા નાસ્તાની લારીઓ ઉપર ગ્રાહકોને વસ્તુ આપીને તુરંત જ રવાના કરી દેવાના રહેશે. એટલે કે દુકાનદારોએ માત્ર પાર્સલ સેવા જ ચાલુ રાખવાની થશે. દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. વધુમાં સ્થાનિક વિસ્તારમાં દુકાનો ઉપર પ્રતિબંધ જાહેર કરવો કે સમય વધઘટ કરવો તે નિર્ણય ઈનસીડન્ટ કમાન્ડર લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ જિલ્લામાં ખૂબ વધી રહ્યું છે. ચા- પાનની દુકાનોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ચાના ધંધાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કે ચાના તમામ ધંધાર્થીઓ દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે. બસ હવે ફરી ધંધા- રોજગાર બંધ કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ કોરોનાનું સંક્રમણ જોખમી સપાટીએ પહોંચ્યું હોય ત્યાં પણ આજથી ચા- પાનની દુકાનો સજ્જડ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રવિવારના દિવસે રાજકોટ જિલ્લામાં કોરોનાના ૫૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ મળીને અત્યાર સુધીમાં કુલ ૪૪૨ કેસ થયા છે. આમ જિલ્લામાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ જે દરરોજના પાંચથી સાત નવા કેસો સામે આવતા હતા. તેની બદલે હવે ૩૦થી ૫૦ કેસો સામે આવી રહ્યા છે. માટે હાલના સમયમાં લોકોને એકત્ર થતા અટકાવવા જરૂરી હોય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.