ચાય-વાય & રંગમંચ: પેક્ષક એજ પરમેશ્વર, એમને જોયાબાદ હું શાનદાર અભિનય કરી શકતી- અભિનેત્રી ભૈરવી વૈદ્ય

અબતક, અરૂણ દવે, રાજકોટ

ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેત્રી ભૈરવી વૈદ્ય આજે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 માં એમના અનોખા વિષય  નાટકની જીવન યાત્રાનો મારો પ્રથમ શિક્ષક પ્રેક્ષક  ખુબ જ સરસ શરૂઆત કરતા ભૈરવી બેને જણાવ્યું કે 1975માં મારા પપ્પા મારા એક મિત્રના ઘરે ગયા હતા,  લાલુ શાહ જે બહુરૂપી નામની સંસ્થા ચલાવતા. એમણે વાત વાતમાં પપ્પાને કહ્યું કે મારા નાટકમાં એક કલાકાર નાટક છોડીને જઈ રહ્યા છે. તમારી દીકરીને મારે નાટકમાં કામ કરશે ? પપ્પાએ કહ્યું મારી દીકરી એ ક્યારેય પ્રોફેશનલ કામ નથી કર્યું લાલુભાઈએ કહ્યું એનું ટેન્શન નહિ લ્યો. અને પપ્પાએ મને વાત કરી, ત્યારથી સ્ટેજના અનુભવ વગર સ્ટેજ ઉપર પ્રથમવાર પગ મૂક્યો. નાટકમાં મોડેલ છોકરીનો રોલ હતો. હું ખુબ ફાસ્ટ બોલતી અને દિગ્દર્શક કહેતા ધીમું બોલ. એ જમાનામાં મુંબઈમાં શો કર્યા બાદ ગુજરાત ગયા. રાજકોટમાં રાજશ્રી થીયેટર માં શો હતો. એ જ અરસામાં રાજ કપૂરની બોબી ફિલ્મ આવી હતી. મારી એન્ટ્રી પડતાં જ સીટીઓ વાગી. બોબી..બોબી ની બુમો શરૂ થઈ. શરૂઆતમાં હું ફાસ્ટ  બોલાતી એ વખતે કોઈએ પાછળથી બૂમ પાડી  એ ફ્રન્ટિયર મેલ, ધીમુ બોલ, લોકલ દોડાવો.. લોકલ. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ એ સીન બાદ ગ્રીન રૂમ માં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દિગ્દર્શક કહેતા હતા કે ધીમું બોલ પણ આખરે પ્રેક્ષકે જ મને ધીમું બોલાતી કરી. ત્યારબાદ મધુકર રાંદેરિયા દિગ્દર્શિત  રંગીલો રાજા નામનું કોમેડી નાટક કર્યું. કોઈપણ નવા નાટકના હું મારી સો ટકા એનર્જી નથી આપી શકતી. રિહર્સલ વખતે 30-40 ટકા સુધી એનર્જી હું એક્ટિંગમાં આપી શકું. જ્યારે નાટક શરૂ થાય ત્યારે પ્રેક્ષક દેવતાને જોઈને મને જોશ ચઢે અને ત્યારબાદ ધીમે ધીમે શો થતા જાય એમ હું મારું સો ટકા નાટકમાં આપી શકું.

પ્રેક્ષક એ જ પરમેશ્વર એમને જોયા બાદ હું શાનદાર અભિનય આપી શકું. કિસ્સા કુર્સી કા નામનુ ભવાઈ ફર્મ નું નાટક કર્યું. જેના ભવાઈના ગીતો શ્રી વેણીભાઈ પુરોહિત લખ્યા હતા. નાટક શરૂ થયું અને મારો ડાન્સ આવ્યો ત્યારે પ્રેક્ષકોએ કૂબ વખાણ કર્યા. એ જમાનામાં પ્રેક્ષકો તરફથી માન ધન મળતું. 11 રૂપિયાના ચેક રૂપે મને અસંખ્ય પ્રેક્ષકો પાસેથી માનધન મળ્યું. ચિત્કાર નાટકની વાત કરતા ભૈરવી બેને જણાવ્યું કે દિગ્દર્શક, લેખક લતેશ ભાઈ રોજ સ્ક્રીપ્ટ બદલતા રોજ ચેન્જ કરતા કરતા 25 શો કર્યા આખરે 25 શો બાદ ફાઈનલ સ્ક્રીપ્ટ થઇ. નાટક ચાલ્યું જેના લગભગ 800 જેટલા શો થયા. ત્યારબાદ રિપ્લેસમેન્ટ માં નાટકો કરતી. પણ એક નાટકનો ઉલ્લેખ ક્યારેય ન ભૂલી ન શકાય શ્રી અરવિંદ જોશી સાથે નાટક કર્યું નાટક હતું  એની સુગંધનો દરિયો  જેમાં એન્ટ્રી પડતાની સાથે જ રમેશ પારેખની પંક્તિઓ સંભળાતી  ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું..હવે આંખોને કેમ રે ભુલાવવું.. બસ આ પંક્તિઓ સાંભળ્યા બાદ અને પ્રેક્ષકોના પ્રતિસાદ બાદ એમ લાગતું કે અહિયાં જ સ્વર્ગ છે.

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં ભૈરવીબેને પોતાના પ્રેક્ષકો સાથેના અનુભવો વિષે મન ભરીને વાતો કરી. તમે બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે જાણિતા અભિનેતા શરદ વ્યાસ

કોકોનટ થિયેટર પ્રસ્તૃત  ચાય વાય અને  રંગમંચ શ્રેણીમાં ગુજરાતી તખ્તાના જાણિતા  અનુભવી અભિનેતા શરદ વ્યાસ સોશિયલ  મીડીયાના ફેસબુક પેઈજ પર સાંજે 6 વાગે લાઈવ આવીને ‘નાટકનું ભણતર અને ગણતર’ વિષય ઉપર પોતાના અનુભવો શેર કરશે. શરદ વ્યાસ નાટક  ફિલ્મોના દરેક પાત્રો સહજ રીતે જીવી જનાર ઉમદા કલાકાર છે. ઘણાનાટકો ફિલ્મો તેના અભિનયને કારણે સફળ થયા હતા. સિનિયર  કલાકાર  હોવાથી  પારિવારિક નાટકો-ફિલ્મોમાં  તેનો અભિનય  ખીલી ઉઠ્તો હતો. શરદ વ્યાસ નો પરિવાર વર્ષોથી  નાટક ફિલ્મોમાં જોડાયેલો છે.

આવનારા ખ્યાતનામ કલાકારો

કાલે તા.18થી આ માસના અંત સુધીમાં  વિવિધ કલાકારોમાં જાણીતા અભિનેતા અભિનેત્રીઓ આ શ્રેણીમાં   લાઈવ આવશષ  જેમાં મેહુલબુચ, વૈભવ દેશાઈ, કેતન મારૂ, હાર્દિક સાંગાણી, રાગી જાની, જીતેન્દ્ર  ઠકકર, ડો. અમિ ત્રિવેદી, સુચિતા ત્રિવેદી, વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દેવેન ભોજાણી, દર્શન જરીવાલા, રાજેશ જોશી અને ઉમેશ શુકલા ભાગ  લેશે.