શિક્ષકોની સજ્જતા કસોટીની ફિયાસ્કો: 50 ટકાથી ઓછા શિક્ષકો હાજર 

શિક્ષકો સજ્જતા કસોટી આપવા પહોંચ્યા જ નહીં, ખાલી વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ

ગુજરાતમાં શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે આજે શરૂ થયેલી સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટીકા કરનારા એક શિક્ષકને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે. જો આ શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરાશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ શરુ થઈ ગયો છે. શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલી છે. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ હતી.પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરો ચાર વાગ્યા સુધી હાજર રહેશે. ચાર વાગ્યે પરીક્ષા પૂર્ણ થયા પછી ફરીથી OMR શીટને સીલ કરવામાં આવશે.

આજે શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટના કેન્દ્રો પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની તાલિમ માટે જ શિક્ષકો આવ્યા નથી. અનેક કેન્દ્રોમા શિક્ષકોએ બહિષ્કાર કર્યો. બપોરે બે વાગે પરિક્ષા શરૂ થાય એ પહેલા શિક્ષકોને ભેગા કરવા રાજકોટ સહિત RSSની ભગિની સંસ્થાના હોદ્દેદારોને શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે.બીજી તરફ શહેરોના શિક્ષકોને આજની પરીક્ષામા બેસાડવા રૂ.4200નો ગ્રેડ પે આપવા શિક્ષણ વિભાગે બેઠક બોલાવી છે.

રાજકોટ શહેર અને જિલ્લાના 300 શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો

વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનાર શિક્ષકોને પોતાની સજ્જતાની કસોટી આપવાના રાજ્યના શિક્ષણ વિભાગના ફતવા સામે વિવાદ સર્જાયો છે. સમગ્ર રાજ્યના શિક્ષકો સાથે રાજકોટ શહેર અને જિલ્લાના શિક્ષકો દ્વારા પોતાની સજ્જતાની કસોટી આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે,રાજ્યના શિક્ષકોની સાથે રાજકોટના શિક્ષકો પણ વિરોધમાં જોડાયા છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અંદાજિત 300 જેટલા શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતાની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે.

પરીક્ષાનો બહિષ્કાર કરનાર શિક્ષકોને નોટિસ અપાઈ

રાજ્ય શિક્ષણ વિભાગે શિક્ષકોને નોટિસ પાઠવી છે. છેલ્લા કેટલાય સમયથી સર્વેક્ષણનો બહિષ્કાર કરવા માટે આ નોટિસ અપાઈ છે. નોટિસ આપી શિક્ષકો પાસે કારણ માંગવામાં આવ્યું છે. મોબાઈલમાં વોટ્સએપ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે.

અખિલ ભારતીય શિક્ષક મહાસંઘની ઉગ્ર આંદોલનની ચીમકી

અત્રે નોંધનીય છે કે, શિક્ષકો અને શિક્ષણ વિભાગ વચ્ચે સર્જાયેલા ભારે વિવાદ વચ્ચે આજે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી યોજાશે. જો કે શિક્ષકો માટે આ કસોટી મરજીયાત છે. બીજી તરફ અખિલ ભારતીય શિક્ષક મહાસંઘએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેના ભાગરૂપે રાજ્યના અઢી લાખ શિક્ષકો આજે અન્નત્યાગ કરી ઉપવાસ કરશે.

શિક્ષક મહાસંઘના જણાવ્યાં મુજબ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી એ શિક્ષકોનું અપમાન હોવાની લાગણી રાજ્યના લાખો શિક્ષકોમાં પ્રવર્તી રહી છે. આથી તેઓ આ કસોટી નહીં આપે. મહત્વનું છે કે સજ્જતા સર્વેક્ષણ કસોટીને લઇને સર્જાયેલા વિવાદ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘શિક્ષકો માટે આ કસોટી પાસ કે નાપાસ માટે નથી. આ કસોટીની નોંધ પણ શિક્ષકની સેવાપોથીમાં નહીં કરવામાં આવે. તદુપરાંત આ કસોટી પણ મરજીયાત છે.’ જો કે શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા છતાં શિક્ષકો તેનું આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.