Abtak Media Google News

શિક્ષકો આપણા સમાજનું એક મહત્વપૂર્ણ અને આવશ્યક અંગ છે: આજે આપણે વ્યક્તિગત કે વ્યવસાયિક રીતે જે કંઇ પણ છીએ, તે આપણાં શિક્ષકોના નિ:સ્વાર્થ પ્રયાસો અને અસંખ્ય યોગદાનને કારણે છે

વિશ્વ શિક્ષક દિવસની ઉજવણીએ પ્રતિબધ્ધતા અને પગલાં માટેના આહવાન પર ધ્યાન કેન્દ્રીત કરે છે જેની ‘ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન સમિટ-2022’માં ચર્ચા કરાય હતી

1994થી ઉજવાતા આ વૈશ્વિકપર્વ યુનેસ્કો, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, યુનિસેફ અને એજ્યુકેશન ઇન્ટરનેશનલ સાથે સહભાગીદારીમાં આયોજન કરવામાં આવે છે: શિક્ષકને રાષ્ટ્રનો ઘડવૈયો કહેવામાં આવે છે

આજના દિવસે પૃથ્વી પર વસતા તમામ શિક્ષકોને એક સલામ. પૃથ્વી પર વસતા તમામ માનવીના જીવન વિકાસમાં શિક્ષકનું અનેરૂ મહત્વ છે. આજે વૈશ્વિકસ્તરે તેને સન્માનવાનો દિવસ છે ત્યારે આપણે સૌએ આપણા ટીચરને માન-સન્માન આપવું જોઇએ. રાષ્ટ્રના ઘડતરમાં અને શ્રેષ્ઠ નાગરીક ઘડતરમાં તેનું કાર્ય વિશેષ હોવાથી તે આપણા સમાજનું એક મહત્વપૂર્ણ અને આવશ્યક અંગ છે. આજે આપણે વ્યક્તિગત કે વ્યવસાયિક રીતે જે કંઇપણ છીએ તે તેને આભારી છે. શિક્ષકોના નિ:સ્વાર્થ પ્રયાસો અને અગણિત યોગદાનો દરેક જીવનમાં વિકાસમાં વિશેષ ફાળો આપે છે.

તાજેતરમાં ‘ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન સમિટ-2022’ યોજાય હતી. તેમાં પણ વિશ્વ શિક્ષક દિવસની ઉજવણીએ પ્રતિબધ્ધતા અને પગલાઓ માટેના આહવાન પર ધ્યાન કેન્દ્રીત કરવા ચર્ચા કરવામાં આવી હતી. આપણાં દેશમાં 5મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય કક્ષાએ આ દિવસ ઉજવાય છે પણ આજનો દિવસ વિશ્વ સ્તરે મહત્વનો એટલા માટે છે કે તેનું આયોજન યુનેસ્કો, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, યુનિસેફ અને એજ્યુકેશન ઇન્ટરનેશનલના સંયુક્ત આયોજનમાં થાય છે. વૈશ્ર્વિકસ્તરે 1994થી આ દિવસ ઉજવવાનું શરૂ થયું હતું. વિશ્વના સૌથી આગળ પડતા દેશોમાં સૌથી વધુ માન-પાન ટીચરોને અપાય છે. તેને રાષ્ટ્રનો ઘડવૈયો પણ કહેવાય છે કારણ કે તે શ્રેષ્ઠ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ કરે છે.

વિશ્વભરમાં શિક્ષકોના મહાન યોગદાનને સ્વીકારવા માટે આજે વિવિધ સેલિબ્રેશન થાય છે. દર વર્ષ આ ઉજવણી ચોક્કસ થીમ આધારિત થાય છે જેના ભાગરૂપે આ વર્ષે “શિક્ષણનું પરિવર્તન શિક્ષકો સાથે શરૂ થાય છે” આપણાં સૌના જીવનમાં શિક્ષક જ અજ્ઞાનરૂપી અંધારામાં આંગળી પકડી દોરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાય છે. આજે વૈશ્ર્વિકસ્તરે વિશ્ર્વ ટીચર ડે તેની 28મી વર્ષ ગાંઠ ઉજવે છે ત્યારે થીમ વાઇઝ ‘શિક્ષણ પુન:પ્રાપ્તિના હૃદ્ય પર શિક્ષકો’ વિષયક ઇન્ટરનેશનલ સેમિનારો પણ યોજાયા છે.

1 4

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO)એ 1994માં સ્થાપના કરી હતી. 1966માં ટીચરોના અધિકારો, શરતો અને વિવિધ મુદ્ાને આવરી લેતા માપદંડો અને માર્ગદર્શન પર હસ્તાક્ષર કરવાની વર્ષગાંઠને આજનો દિવસ તે બાબતના કાર્યો કરવા કટીબધ્ધતા નક્કી કરે છે. આજે ફોટોસ, પોસ્ટર, સ્લોગન, એસએમએસના સંદેશાઓ, શુભેચ્છાકાર્ડ, વિચારો, શુભેચ્છાઓ, એચ.ડી.વોલ પેપર્સ, ચિત્રો, ફોટા, ટેકસ્ટ, સ્ટીકરો, શાયરીઓ સાથે સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર શિક્ષકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવીને સન્માન કરે છે.

શિક્ષકો વધતા સંકટો વચ્ચે ભવિષ્યની નવી કલ્પના કરવાની વાત કરીને બાળકોના સંર્વાગી વિકાસ માટે દિવસ-રાત સતત અને સક્રિય કામગીરી કરે છે. શિક્ષકો બાળકોને પ્રેરણા આપીને તમારૂ મનોરંજન પણ કરાવીને તમે જાણતા ન હોવા છતાં પણ તમે ઘણું શીખો છો. શિક્ષકોને નવી તરાહ પ્રમાણે સતત અપડેટ કરવા પણ જરૂરી છે, જેને માટે વિવિધ તાલિમ અને વર્કશોપ યોજવા જરૂરી છે. શિક્ષણ પ્રક્રિયામાં નવા-નવા સજ્જતાવાળા શિક્ષકો જોડાય તે માટે પણ શિક્ષણ વિભાગે આયોજન કરવું પડશે.

“શિક્ષણમાં પરિવર્તન લાવવામાં શિક્ષકોનું નેતૃત્વ” ખૂબ જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિ-2020 મુજબ લાખો શિક્ષકને તાલિમબધ્ધ કરીને દેશમાં શિક્ષણ પરિવર્તન ઝડપથી લાવી શકાય છે. આજના યુગમાં ગુણવત્તાસભર શિક્ષણ ખૂબ જ આવશ્યક છે જેના કારણે જ આપણને સારા પરિણામો મળશે. પ્રાચિન સમયમાં શિક્ષકને ‘ગુરૂ’ કહેવામાં આવતું. ગુરૂએ એવી વ્યક્તિ છે જે સમાજ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. શિક્ષક બાળકના જીવનમાં માતા-પિતા પછી બીજા ક્રમે સૌથી મહત્વની વ્યક્તિ છે, શિક્ષકને માતાનું સ્થાન અપાયું છે કેમ કે તે આખુ જીવન બાળકોને શિક્ષણ આપવામાં વિતાવે છે. આજે વિશ્ર્વના તમામ ગુરૂને કરોડો સલામ છે.

 

1 2 2શિક્ષકના માર્ગદર્શનથી શીખનારનો માર્ગ આનંદમય અને સફળ બને છે. શિક્ષકના ત્રણ શબ્દના અર્થ જોઇએ તો શિસ્ત, ક્ષમા અને કરૂણા છે. તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે અને નવી પેઢીઓને વધુ સારૂ વિશ્ર્વ બનાવવા માટે શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડે છે. દુનિયાના કોઇપણ વ્યવસાય કરતાં શિક્ષકોનું કાર્ય જ શ્રેષ્ઠત્તમ ગણવામાં આવે છે. તેઓ શિક્ષણ દ્વારા ઘણા વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. વર્ગખંડનો રાજા ગણાતો ટીચર એક સહાયકની ભૂમિકા ભજવે છે, તે છાત્રોના શિક્ષણ કૌશલ્યો સાથે બહુવિધ કૌશલ્યોનો પણ વિકાસ કરે છે. તે બાળકો ઉદાહરણ, દ્રશ્યો, શૈક્ષણિક રમકડાં દ્વારા વાસ્તવિક જીવન સાથે જોડીને તેનો વિકાસ કરે છે.

શિક્ષકોના પ્રભાવ વર્ગખંડ બહાર પણ વિસ્તરે છે. શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો પુરતું સિમિત ના રહેતા વિદ્યાર્થીના જીવનને સમૃધ્ધ બનાવે છે. છાત્રોના જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા શિક્ષક ભજવે છે. શિક્ષકો વિવિધ પ્રવૃતિ દ્વારા પણ બાળકને ભાર વગરનું ઘણું શિક્ષણ જ્ઞાન આપે છે. હસતાં-હસતાં શિક્ષણ માત્ર શિક્ષકો જ આપી શકે છે. બાળક પણ પોતાના ટીચર સિવાય કોઇની વાત સાચી માનતો નથી, પછી ભલે તેના મા-બાપ કહે તો પણ નહીં. આજ ગુરૂ-શિષ્યના સંબંધની તાકાત છે. આજે સૌ પોતાના ટીચરને મળજો અને તેના ખબર-અંતર પૂછજો.

એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે

ટબૂકડા બાળકના જીવનમાં શિક્ષકનું વિશેષ મહત્વ છે. શિક્ષણની કળાએ શોધમાં મદદ કરવાની કળા છે. કોઇપણ દેશના વિકાસમાં તેની શિક્ષણ પ્રગતિ વિશેષ જોવા મળતી હોય છે. શિક્ષકની સામે બાળકનો સામાજીક, શારીરીક અને માનસિક વિકાસ થાય છે. એક શિક્ષક, બાળક, પુસ્તક અને પેન વિશ્ર્વને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. દુનિયામાં જ્યાં પણ તમને અસાધરણ વસ્તું મળશે ત્યાં તમને એક મહાન શિક્ષકના ફિંગર-પ્રિન્ટસ અવશ્ય મળશે જ. બાળકના મનની કુદરતી જીજ્ઞાસાને ઉજાગર કરવાનું કામ એક માત્ર શિક્ષક જ કરે છે. શિક્ષક નવી પેઢીના બાળકોમાં જ્ઞાન ટ્રાન્સફર કરે છે. દરેકના જીવનમાં શિક્ષક માર્ગદર્શક, મિત્ર સાથે વાલી બનીને તમોને જીવનમાં મૂલ્યો સાથે શિસ્તનું ઘડતર કરીને શ્રેષ્ઠ નાગરીકનું નિર્માણ કરે છે. સૌના જીવનમાં પ્રગતિ કરવામાં આ મહાન વ્યક્તિની અફાટ મહેનત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.