Abtak Media Google News

‘હવે હું પૂરા 18 વર્ષનો થયો પપ્પા, આ વખતે હું વોટ આપવા જઇશ અને એમાં તમે મને શિખામણ ના આપતા કે આને વોટ આપ ને આને નહિ, ’ ઋત્વીજ એના પપ્પા નવીનભાઇને કહ્યું, તયારે નવીનભાઇ બોલ્યા, ‘બેટા હું તો તમે સાચી સમજ આપુ છું કે કોને વોટ આપવો એમ તારા દાદાના યે દાદાના વખતથી આપણે આ પાર્ટીને જ વોટ આપીએ છીએ’

એટલે શું આ વખતે મારે પણ એ પાર્ટીને જ વોટ આપવો? એ નહીં બને પપ્પા તમે આવી જીદ કરો છો એને શું કહેવાય ખબર છે પપ્પા? આને સરમુખત્યારશાહી કહેવાય, અને તમારી જાણ ખાતર કહી દઉં કે આપણા ભારતદેશમાં લોકશાહી ચાલે છે. લોકશાહી એટલે તો ખબર જ હશે ને પપ્પા તમને વ્યાખ્યા નહી આપું, પણ એટલું જ કહીશ કે હું મારી રીતે વોટ આપવા સ્વતંત્ર છું.

‘હા, બેટા એ સાચી વાત કે લોકશાહી છે, પણ તું મારો દીકરો છે, ને પ્રથમ વખત વોટ આપવા જઇ રહ્યો છે તો સત્ય સમજાવવું મારી ફરજમાં આવે છે, એટલે મેં તને કીધું ! નવીનભાઇના અવાજમાં બાપ તરીકેનો રોફ હતો’

‘પપ્પા, જે બધા કરે ને એવું મારે નથી કરવું,  હું યે ન્યુઝ પેપરને મેગેઝીન વાંચુ છું, ને મનેય ખબર પડે છે કે કયો ઉમેદવાર વોટને લાયક છે, ને કયો નહિ, અને સૌથી મોટી વાત તો પપ્પા હું સોશિયલ મીડીયા પર છું. એમાંય વાંચીને મેં ઘણું બધું સમજયું છે, માટે તમારી શિખામણ તમારી પાસે રહેવા દો સમજયાં, અને હવે હું 18 વર્ષનો થયો, નાનો નથી કે વાતે વાતે શિખામણ આપ્યા કરો છો’ ઋત્વીજે કહ્યું

‘તું સમજે છે, શું એલા, અમે તારા કરતાં વધારે દિવાળી જોઇ છે. તારાથી હું મોટો છું, અનુભવી છું, અને સોશિયલ મીડીયા પર વાંચ્યું તે વાચ્યું ન કહેવાય સમજયો, કાંઇ ખબર પડે નહિ ને વોટ આપવા નીકળ્યો છે, ખબર છે કે એક વોટની યે કિંમત હોય છે, એક વોટ આગળ-પાછળ હોય તો એમાં જ હાર-જીત નકકી થતી હોય છે અને એક વોટ ખોટા માણસને જાય તો દેશની પથારી ફરી જાય, તમારા જેવા નવી પેઢીના ને ઊછાછળા બાળકોને શું ખબર પડે કે ચૂંટણી શું છે, ને વોટની કિંમત શું છે ?’ આમ ચર્ચામાં પિતા-પુત્ર વચ્ચે ખુબ જ ગરમી વધતી જતી હતી.

જયારે જયારે આવી કોઇ ચર્ચા થાય ત્યારે બાપ-દિકરો એક બીજાની વિરુઘ્ધ ચડસા-ચડસી કરતા, પણ ત્યારે નવીનભાઇના પત્ની અને ઋત્વીજની મમ્મી ક્રિષ્નાબેન બન્નેને સમજાવી સમજાવીને થાકતા પણ બંને ટસના મસ થતા નહીં, ક્રિષ્નાબેન સમજાવતા કે, ચૂૂંટણી હોય કે વોટ, જે હોય તે એમાં આપણા ઘરમાં અકબીજા સાથે શું કામ ઝઘડવુઁ જોઇએ? ઝઘડો કરવાથી શું ફાયદો? પણ બાપ-દિકરો કોઇ એમનું સાંભળતા નહી, આજેય આવું જ થયું.

બન્ને બાપ-દિકરો ચડસા-ચડસી કરતાં દલીલ કરતા હતા એકબીજા સામે, બેમાંથી કોઇ નમતું નહોતું મૂકતું, ગરમી વધતી જતી. ત્યાં અચાનક, બાજુના પડોશનાં ઘરમાંથી જોરદાર ધડાકો સંભળાયો, ધડાકો સાંભળીને બાપ-દીકરો સફાળા બાજુના ઘર ભણી દોડયા, આવીને જોયું તો બાજુમાં રહેતા હસુકાકા એકદમ વૃઘ્ધ હતા, ને એકલા રહેતા હતા તે પડી ગયા હતા. કેવી રીતે પડી ગયા? પૂછતા ન્યુર્યોક રહેતા દીકરાને ફોન કરવામાં ચકકર આવી જતાં પડી ગયા હતા. ને સરખું વાગ્યું હતું. પીડાથી કણસતા તા ઉભા થઇ શકતા નહોતા. પીડાથી તેઓ રોતા હતા. ન્યુર્યોક રહેતા હસુકાકાના દીકરાને ફોન કરવામાં અને હસુકાકાને ગાડીમાં હોસ્પિટલ લઇ જવામાં સમય કયાં જતો રહ્યો એની પણ ખબર બન્ને બાપ-દીકરાને ન રહી અને ઘડીકમાં તો સાંજના પાંચ વાગી ગયા.

‘પપ્પા, હું હસુકાકા પાસે બેઠો છું તમે વોટ આપી આવો જાવ’ ઋત્વીજે નવીનભાઇને કહ્યુ,

‘અરે, ના બેટા તુ વોટ આપી આવ તારું પહેલું ઇલેકશન છે, જા અને હા બેટા તારે જેને વોટ આપવો હોય એને આપજે હું કહું કે મેં કીધુ કે આપણા બાપદાદાઓ જેને વોટ આપતા હતા એને જ આપવો જરુરી નથી, જો બેટા, તને યોગ્ય લાગે એને જ વોટ આપજે’ બેટા, આજે એક વાત જરુરથી કહીશ, શિખામણ માનવી હોય કે સલાહ, તારે જે કહેવું હોય કે માનવું હોય એ તારી મરજી, એ જ કે, બેટા આપણી રાજકીય માન્યતા ગમે તે હોય, પણ મહત્વનું એ છે કે તકલીફના સમયે, મુસીબતના સમયે, એકબીજાનાં દુ:ખના સમયે આપણે એખબીજાની સાથે રહીએ અને એકબીજાને મદદ કરીએ, આજે મને તારા પર ગર્વ છે કે હું તારો બાપ છું, મારા સંસ્કાર પર મને ગર્વ છે. કેમ કે હું તો ધડાકો સાંભળીને દોડયો હતો. ને દોડયો જ હોત, પણ તું બધું છોડીને મારી પડખે ઉભો રહ્યો. અને હસુકાકાને જે રીતે તે હેન્ડલ

કરીને એનું અડધું દુ:ખ ઓછું કર્યુ. એ ઉપરથી મને લાગે છે કે તમારી જનરેશનમાં એકબીજાને સાચવી લેવાની ભાવના છે. અને હું તો કહું છું કે ભારત દેશના યુવાનો, અરે હા, શું કહેવાય, તમારી જનરેશનમાં એકબીજાને સાચવી લેવાની આવી સેવા, આવી ભાવના હશેને ત્યાં સુધી સત્તા પર ગમે તે વ્યકિત હોય, અરે, ચુંટણીમાં ગમે તે જીતે કે હારે, પણ જીત તો સદા આપણી પ્રજાની જ રહેશે. હોસ્પિટલમાં જ બાપ-દીકરા વચ્ચેની ગરમી, ખુબ શીતળ પ્રેમમાં ફેરવાઇ ગઇ હતી. અને બન્નેના મુખ પર હાસ્ય અને મનમાં સુખની અનુભૂતિ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.