ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને યુએઈના 4 શહેરોમાં રમાશે: ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે: ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમની જાહેરાત કરી છે. તે પહેલાં એક મિટિંગ ચાલી હતી. બીસીસીઆઈએ વાનખેડે સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હાજર હતા. બીસીસીઆઈ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડની ટેસ્ટ દરમિયાન તેને પીઠમાં દુખાવો થયો હતો. બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી ઈજામાંથી પરત ફરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને યુએઈના 4 શહેરોમાં યોજાવાની છે. જેમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની 2 સેમિફાઈનલ 4 અને 5 માર્ચે યોજાશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા.