પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની ધીમી પરંતુ મક્કમ બેટીંગ

ભારતીય કપ્તાન વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં ૨૩મી ફીફટી

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતી બેટીંગ લીધી હતી. વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. ભારતીય ટીમે શરૂઆત નિરાશાજનક રહી હતી. પૃથ્વી શો શુન્ય રને મિચેલ સ્ટાર્કના બીજા જ બોલે આઉટ થઈ ગયો હતો. સ્ટાર્કે મેચના બીજા જ બોલે ઓસ્ટ્રેલીયાને સફળતા અપાવી હતી. પૃથ્વી શો સસ્તામાં આઉટ થતાં મયંક અગ્રવાલ અને ચેતેશ્ર્વર પુજારાએ બાજી સંભાળતા બીજી વિકેટ માટે ૩૨ રન કર્યા. અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કનવર્ટ કરી શકયો નહીં અને તે ૧૭ રને કમિંગ્સની બોલીંગમાં બોલ્ડ થયો હતો. જો કે પ્રથમ ઈનીંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ ફીફટી પણ ફટકારી હતી.

૩૨ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી ચેતેશ્ર્વર પૂજારા અને વિરાટ કોહલીએ ઈનીંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે ૬૮ રનની બાગીદારી કરી હતી અને ઓસ્ટ્રેલીયામાં બન્ને વચ્ચે ૫૦ પ્લસની ભાગીદારી નોંધાઈ હતી. પૂજારા લાયનની બોલીંગમાં લેગ ગલીમાં લબુસેન દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટ આઉટ આપતા કાંગારૂએ રિવ્યુ લઈ તેને પેવેલીયન ભેગો કર્યો હતો. પૂજારાએ ૧૬૦ બોલમાં ૨ ચોગ્ગાની મદદથી ૪૩ રન ફટકાર્યા હતા.

આ લખાય રહ્યું છે ત્યારે ભારતીય ટીમનો સ્કોર ૩ વિકેટે ૧૩૬ રનનો હતો. હાલમાં અંજીક્ય રહાણે અને વિરાટ કોહલી ક્રિઝ પર ઉભા છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૨૩મી ફીફટી મારી છે. કાંગારૂ માટે મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને કમિન્સે ૧-૧ વિકેટ લીધી છે.