જુની પેન્શન સ્કીમ પુન: લાગુ કરવા ટીમ OPS ગુજરાતનું કલેકટરને આવેદન

અબતક, રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા નાણા વિભાગના સંદર્ભદર્શિત ઠરાવથી તા. 1-4-2005 અથવા ત્યારબાદ ગુજરાત સરકારમાં નિમણુંક પામેલ વર્ગ-1 થી 4 સંવર્ગના અધિકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજીયાત પણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ, પરંતુ એન.પી.એસ. એ એક અસુરક્ષિત અને શેર બજાર આધારીત યોજના છે. આ યોજના અંતર્ગત કર્મચારી- અધિકારી અને ગુજરાત સરકારના 10 ટકા (કેન્દ્ર સરકારના 14 ટકા) લેખે નાણાનુઁ રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોઇ તે જાહેર હિતમાં કે કર્મચારીના હિતમાં જણાતું નથી. જેમાં વયનિવૃતિ બાદ ખુબ જ નજીવું પેન્શન બાંધવામાં આવે છે.

જેમ કે તાજેતરમાં જે એન.પી.એસ. હેઠળ વયનિવૃત- અવાસન થઇ રહ્યા છે. તેવા એન.પી.એસ. ધારકો- વારસોને  રૂ. 2000 થી પણ ઓછું  પણ ઓછું એવું નજીવું પેન્શન બંધાઇ રહ્યું છે. જેનાથી વૃઘ્ધાવસ્થામાં જીનવનિર્વાહ કરવું ખુબ જ કપરું છે. વળી આ પેન્શન યોજનામાં મોંધવારી ભથ્થા કે નવા પગારપંચનો પણ લાભ મળતો નથી. અવસાનના કિસ્સા અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષ 2009માં એન.પી.એસ. ધારકના કુટુંબને ફેમીલી પેન્શન  આપવાનું શરુ કરેલ છે. જેનો ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી અમલ કરવામાં આવેલ નથી.

ફિકસ પગારની પોલીસી બંધ કરી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ અપીલ પરત ખેંચવા માંગ

મૂળભૂત રીતે પેન્શનનો અર્થ જિવાઇ થાય છે. એટલે કે જે તે કર્મચારી નિવૃતિ બાદ પોતાનું જીવન સન્માનપૂર્વક જીવી શકે, પરંતુ એન.પી.એસ. ના કારણે નિવૃતિ- અવસાન બાદ મળનાર પેન્શન અંગે અનિશ્ર્ચિતતાના વાતાવરણમાં કર્મચારી કઇ રીતે સન્માનપૂર્વક જીવન ગુજારી શકે તે એક પ્રશ્ર્નાર્થ છે. આપી એન.પી.એસ. આર્ટીકલ ર1 હેઠળ મળેલ મૂળભૂત અધિકારના ભંગ સમાન છે. સરકારી પેન્શનરો એક સમાન વર્ગના છે. જેઓને લાભ આપવાના હેતુથી પેટા જુથોમાં વહેંચી શકાય નહી સુપ્રીમ કોર્ટના તારણ મુજબ સમાન કામ સમાન વેતન તે જ રીતે સમાન પેન્શન મળવું જોઇએ.

વધુમાં પેન્શન એ બંધારણની રાજય યાદીનો વિષય છે અને પશ્ર્ચિમ બંગાળમાં હાલમાં જુની પેન્શન યોજના જ અમલમાં છે. આથી ગુજરાતમાં પણ ઓ.પી.એસ. લાગુ કરવામાં રાજયમાં સરકારને કોઇ બાધ નથી.

આમ ઉપરોકત સઘળી વિગતોને આધારે જુની પેન્શન યોજના પુન: મેળવવા સારુ ગુજરાત રાજય કર્મચારી મહામંડળ અને કર્મચારીઓ સંકલન સમતિ હેઠળ ગઠન થયેલ TEAM OPS GUJARAT   દ્વારા (જુની પેન્શન યોજના) સરકારી કર્મચારીઓ માટે વધુ ફાયદાકારક અને હિતલક્ષી હોઇ રાજયમાં પુન: લાગુ કરવામાં આવે તથા ફિકસ પગારની પોલીસી બંધ કરી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અપીલ પરત ખેંચી ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદાની અમલવારી કરવામાં આવે અંગે રાજયમાં તમામ એન.પી.એસ. ધારકોને આવરી લેતું મંચ ટીમે ઓ.પી.એમ. ગુજરાત દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.