Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર દેશ મક્કમ પણે આગળ વધી રહ્યું છે ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આયાત નિકાસનું સંતુલન અને ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અનેકવિધ યોજનાઓની સાથે સાથે ખેતી અને ખેડૂતોને પગભર કરવાના મુખ્ય પાસા પર સરકાર દ્વારા ચીવટ પૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દેશના વિકાસ દર માટે ખેતીની આવક હાથીના પગ જેવી માનવામાં આવે છે ત્યારે બદલતા જતા સમયમાં ખેતીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન સભર બનાવવાની સાથે સાથે મહેસુલી કાયદાઓમાં પણ જરૂરી ફેરફારના કારણે ખેતીને લગતા વહેવારો પણ સરળ અને ફાયદાકારક બનશે ગુજરાતની ખેતીમાં હવે વધુમાં વધુ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પહેલ સમગ્ર દેશ માટે એક નવો રાહ ચંધનારી બનશે.

દરેક ગામમાં ડ્રોન પહોંચાડવાની સરકારની નેમથી ખેતીમાં ખર્ચ ઉપરાંત પાણી જેવા સંસાધનોનો પણ બચાવ થશે અત્યારે મોટાભાગે ખેતી મજૂરો પર પરાધીન થઈ ગઈ છે ત્યારે વધુમાં વધુ માનવ શ્રમની બચત અને ઓછા સમયમાં વધુ કામ થાય તેવી ટેકનોલોજીની જરૂરિયાત છે તેવા સમયમાં ખેતીમાં ડ્રોનનો ઉપયોગ ક્રાંતિ લાવશે, ખેતીનું યાંત્રિકરણ અને ડ્રોન ટેકનોલોજી જેવી ઉચ્ચ કક્ષાની તકનીકી પહેલની સાથે સાથે સરકાર દ્વારા જમીનની કાયદામાં પણ જરૂરી સુધારો કરવાની જે પહેલ કરી છે તે ખેતી અને અર્થતંત્રને વિકાસની નવી પાંખો લગાવશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.