પ્રેમ લગ્નમાં રક્ષકે ‘રક્ષણ’ આપવાનો નનૈયો ભણતા હાઇકોર્ટનું તેંડુ !!

પોલીસે રક્ષણની માંગ સાથે કરાયેલી અરજી પરત ખેંચવા યુગલને દબાણ કરાયાનો આક્ષેપ

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે અમરેલી જિલ્લાના રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટરને 26 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે એક મહિલાને પોલીસ રક્ષણ માટેની અરજી પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. મહિલાએ તેના પરિવારના સભ્યો પાસેથી રક્ષણની માંગ કરી હતી, જેણે તેના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા.

મહિલાના એડવોકેટ રોનિથ જોયના જણાવ્યા અનુસાર, પરિણીત યુગલ મહિલાના પરિવારની બીકે આશરે બે માસથી વધુ સમયથી ગુજરાતની બહાર રહ્યુ હતું. તેણીએ 12 મેના રોજ રાજુલા પોલીસને એક અરજી કરતા પોલીસ રક્ષણની માંગ કરી હતી પરંતુ પોલીસે કથિત રીતે તેણીની અરજીનો જવાબ આપ્યો ન હતો.  જેના કારણે મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

સુનાવણી દરમિયાન એડવોકેટ જોયે રજૂઆત કરી હતી કે રાજુલા સ્ટેશનના એક પોલીસ અધિકારીએ ગુરુવારે અરજદારને તેના નિવેદન માટે સંપર્ક કર્યો હતો.

જો કે કથિત રીતે મહિલાને રક્ષણ અંગે કરાયેલી અરજી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં જરૂર પડ્યે તેઓ પોલીસનો સંપર્ક કરશે, તેવું નિવેદન લખાવવા પોલીસે મજબૂર કર્યાના આક્ષેપ સાથે પોલીસે મહિલાના પરિવાર સાથે ગોઠવણ કરીને રક્ષણ નહીં આપી આ પ્રકારનું કૃત્ય આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  આ રજૂઆતને પગલે જસ્ટિસ બિરેન વૈષ્ણવે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને 26 મે સુધીમાં જવાબ માંગ્યો છે, જ્યારે રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટરે કોર્ટરૂમમાં હાજર રહેવું પડશે.