જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો, ત્રણ જવાન શહિદ

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ ગોળીબાર: સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક: સંયુક્ત પાર્ટી પર ફાયરીંગ થતાં અફડાતફડી, અનેક ઘાયલ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાતમા માટે સુરક્ષાદળો એલર્ટ પર મુકાયા

સ્વતંત્રતા પર્વમાં તૈનાત કરેલી પોલીસ પાર્ટી પર આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલા બાદ મામલો સંગીન બન્યો: સરહદ પાર ઘૂસણખોરી માટે અનેક આતંકીઓ પેરવીમાં

જમ્મુ-કાશ્મીરમાં વધુ ત્રણ જવાન આતંકી હુમલાનો ભોગ બન્યા છે. આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના બારામુલાના ખીરીમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે અને પોલીસનો ૧ એમ ત્રણ જવાન શહિદ થયા હોવાનું જાણવા મળે છે. આતંકી ઘટનાના પગલે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સાબદા કરી દેવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર જમ્મુ-કાશ્મીરના બારામુલાના ખીરી વિસ્તારમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. આતંકવાદીઓના હુમલામાં સીઆરપીએફના બે જવાનો ઘટના સ્થળે જ શહિદ થઈ ગયા હતા. આ ઉપરાંત પોલીસ બેડાનો એક જવાન પણ ગંભીર રીતે ઘવાતા શહિદ થયો હતો. આ ઘટના બાદ સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક બનાવાયો છે.

નોંધનીય છે કે, સ્વતંત્ર્તા પર્વ નીમીતે દેશમાં રંગેચંગે ઉજવણી સમયે પણ આતંકી હુમલાનું કાવત‚ ઘડી કાઢવામાં આવ્યું હતું. અલબત આ કાવતરા સામે સુરક્ષા વિભાગ સતર્ક હતો અને બંદોબસ્ત ગોઠવાયો હતો. દરમિયાન આજે બારામુલામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. દરમિયાન સીઆરપીએફની ટુકડી પર આતંકવાદીઓનો હુમલો થયો હતો અને આ હુમલામાં સીઆરપીએફના બે જવાનો શહિદ થયા હતા. બીજી તરફ પોલીસ બેડાનો એક જવાન શહિદ થયો હતો. આ ઘટના બાદ આતંકવાદીઓનો ખાત્મો કરાવવા ઓપરેશન તિવ્ર બનાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી ‘ગદ્દારો’નો સફાયો કરવા મોદી સરકાર દ્વારા અસરકારક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામે આતંકવાદીઓનો જમ્મુ-કાશ્મીરમાંથી સફાયો થયો હતો. એક વર્ષ જેટલા ગાળામાં અનેક આતંકીઓનો સુરક્ષાદળોએ ખાત્મો બોલાવ્યો હતો. બીજી તરફ ૨૫૦થી વધુ આતંકીઓ ભારતીય સરહદમાં ઘુસવાની પેરવી કરતા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા થયેલા હુમલામાં ત્રણ જવાનો શહિદ થતા મામલો ગંભીર બન્યો છે. આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન પણ શ‚ થઈ ચુકયું છે. આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ આ ગામમાં જ છુપાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. ઘેરાબંધી વચ્ચે તપાસ અભિયાન દરમિયાન વધુ આતંકીઓ સાથે અથડામણ થાય તેવી શકયતા પણ છે. આતંકીઓ દ્વારા આજે ૧૫ ઓગસ્ટ માટે તૈનાત કરવામાં આવેલી પોલીસ પાર્ટી પર હુમલો થયો છે.

આ મામલે આઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે, આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં સ્પેશિયલ પોલીસ અધિકારી શહિદ થઈ ચુકયા છે. આ ઉપરાંત સીઆરપીએફનાં બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ હુમલામાં ત્રણેય પોલીસ જવાનો શહિદ થયા બાદ સુરક્ષાદળો વધુ સક્રિય બની ચુકયા છે. હાલ નોંધનીય છે કે, ગત ૧૪ ઓગસ્ટે પણ નૌગામમાં પોલીસ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો જેમાં બે પોલીસ જવાનોનાં મોત નિપજયા હતા ત્યારબાદ ફરીથી એક હુમલો થયો છે.

ચાર દિવસમાં પોલીસ પર આતંકી હુમલાની આ બીજી ઘટના

૧૪ ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં ૨ પોલીસકર્મી શહિદ થયા હતા. ચાર દિવસમાં પોલીસ પર આંતકી હુમલાની આ બીજી ઘટના છે. ૧૪ ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં ૨ પોલીસકર્મી શહીદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે. ૧૨ ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતા.