Abtak Media Google News

જમ્મુમાં ઉપરા-ઉપરી બે દિવસ ભારતીય હવાઈ દળના બે સ્ટેશનને નિશાન બનાવીને ડ્રોનથી હુમલા કરવાની નાપાક અને નિષ્ફળ કોશીષ કરવાની રમત પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી જુથોને હવે ભારે પડી જવાની છે. ભારતે અતિ આધુનિક એન્ટી ડ્રોન સીસ્ટમ લશ્કરી મથકોમાં ગોઠવવાનું શરૂ કરી દીધું છે. એક સીસ્ટમ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. એનએસજી દ્વારા ગૃહ ખાતાના આદેશના પગલે એન્ટી ડ્રોન સર્વિલન્સ સીસ્ટમ જમ્મુ એરપોર્ટ પર ગોઠવી દેવામાં આવી છે.

હાફિઝ સઈદના ઘર પાસે થયેલા ધડાકાનો બદલો લેવા ડ્રોન હુમલા કરાયાની આશંકા

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સીસ્ટમની અસરકારકતા તપાસવા માટે પ્રાયોગીક ધોરણે સીસ્ટમ લગાડવામાં આવી છે. જો ફૂલપ્રુફ અને અસરકારક જણાશે તો અન્ય સંવેદનશીલ લશ્કરી મથકો પર એન્ટી ડ્રોન સીસ્ટમ ગોઠવવામાં આવશે. આતંકવાદીઓ ગમે ત્યારે ડ્રોનનો ઉપયોગ કરી શકે છે તેવા ભયસ્થાન સામે આપણા દળો પહેલેથી જ સતર્ક હતા એટલે એનએસજી, એનટીઆરઓ અને ડીઆરડીઓ દ્વારા બે વર્ષ પહેલા જ એન્ટી ડ્રોન સીસ્ટમ વિકસાવી લેવામાં આવી હતી. વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ મનાતી ઈઝરાયલી ટેકનોલોજી મેળવવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન જમ્મુના બે ડ્રોન હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનો હાથ હોવાની માહિતી મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હિન્દુ બહુમતિવાળા વિસ્તારો જ્યાં મંદિરો પણ હોય તેવા વિસ્તારોને નિશાન બનાવવાનું કાવતરૂ ઘડાયું હતું.  હુમલાની ઘટના બારામાં બે શકમંદોને પોલીસે ઉઠાવી લીધા છે.

જેમાંથી એક તોયબાનો સિનિયર કમાન્ડર નદીમ અબરાર પણ સામેલ છે. તેની સઘન પુછપરછ બાદ એવી હકીકત બહાર આવી હતી કે, આતંકી આકા હાફિઝ સઈદના લાહોર સ્થિત નિવાસ સ્થાન પાસે ધડાકો થયો તેનો બદલો લેવાના ઈરાદે જમ્મુમાં બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.