પીચે મિજાજ બદલતા ટેસ્ટ રોમાંચક:નાની લીડ પણ ઈન્ડિયાની જીત નિશ્ચિત કરશે

અક્ષરે 5 અને અશ્ર્વિન, જાડેજા, ઉમેશે 1-1 વિકેટ ખેડવી: લેથમ પાંચ રને સદી ચૂક્યો: એક તબકકે 214 રન પર માત્ર બે વિકેટ ગુમાવી ટેસ્ટ પર મજબુત પકડ મેળવનાર કિવીના મીડલ ઓર્ડર બેટસમેનો ફેઈલ જતા ભારતની સ્થિતિ મજબુત

ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. આજે ત્રીજા દિવસે પિચે મિજાજ બદલતા મેચ હવે રોમાંચક તબકકામાં આવી ગયો છે. ગઈકાલે બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝિલેન્ડનો સ્કોર 129 રન હતો અને ભારતના બોલરો ન્યુઝિલેન્ડની એકપણ વિકેટ ખેડવી શક્યા ન હતા. ત્યારે આજે ત્રીજા દિવસની શરૂઆતથી જ પિચે રૂખ બદલતા ન્યુઝિલેન્ડના બેટ્સમેનો ધડાધડ આઉટ થઈ ગયા હતા અને આજે સવારથી 100 રનમાં જ 6 વિકેટ ખડી ગઈ હતી. પિચે પણ મિજાજ બદલ્યો હતો અને ભારતના સ્પિનરોની ધારદાર બોલીંગની ન્યુઝિલેન્ડના બેટ્સમેનો ટકી શક્યા નહતા. આ લખાય રહ્યું છે ત્યારે ન્યુઝિલેન્ડ ટીમનો સ્કોર 271 રને 8 વિકેટ છે. હવે આગામી 30 રનમાં જ ન્યુઝિલેન્ડના બેટ્સમેનો ઓલઆઉટ થઈ જાય તેમ જણાય રહ્યું છે અને ભારતને 60 થી 70 રનની લીડ મળે તો તે ટીમ ઈન્ડિયાની જીત નિશ્ર્ચિત કરી દેશે.

આજે સવારે ન્યુઝિલેન્ડના બેટ્સમેનોએ રમતની શરૂઆતમાં સારૂ પ્રદર્શન ર્ક્યું હતું. જો કે, ટોમ લેથમ 95 રનની ઈનિંગ રમી પેવેલીયન ભેગો થઈ ગયો હતો અને સદીથી 5 રન ચૂક્યો હતો. ઈન્ડિયાની ટીમને પહેલી સફળતા આર.અશ્ર્વિને વીલયંગને આઉટ કરીને અપાવી હતી. આ વિકેટ ભારતને ડીઆરએસનો ઉપયોગ કર્યા પછી મળી હતી. ઉલ્લેખનીય છે કે, રવિચંદ્ર અશ્ર્વિનની ઓવરમાં વિકેટ કિપર કે.એસ.ભરતે વિલયંગ વિરુધ્ધ કેચ આઉટની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે નકારી કાઢતા ઈન્ડિયાની ટીમે રિવ્યુ લેવાની ફરજ પડી હતી અને ત્યારબાદ તે આઉટ જાહેર કરાયો હતો.

ત્યારબાદ ટોમ લેથમ અને કેપ્ટન વિલીયમસન વચ્ચે બીજી વિકેટ માટે 117 બોલમાં 46 રનની પાર્ટનરશીપ થઈ ચૂકી હતી. જો કે લંચ બ્રેક પહેલા ઉમેશ યાદવે નવા બોલથી કિવી કેપ્ટન કેનને 18 રને આઉટ કરી ઈન્ડિયાને બીજી વિકેટ અપાવી હતી. જો કે, ત્યારબાદ રોસ ટ્રેલર પણ 11 રને આઉટ થયો હતો અને નિરંતર વિકેટો પડી ગઈ હતી.

આ લખાય રહ્યું છે ત્યારે ન્યુઝિલેન્ડની 270 રને 8 વિકેટ પડી ચૂકી છે. ન્યુઝિલેન્ડ હવે ઈન્ડિયાની 75 રન પાછળ છે. આગામી 5-10 ઓવરમાં ન્યુઝિલેન્ડ ઓલ આઉટ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે, ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં પિચે મિજાજ બદલાવ્યો છે. જેથી સ્પીનરોને સારી એવી સફળતા મળી રહી છે. જો કે, મેચ પાંચમાં દિવસે પહોંચે તેવું પણ લાગતું નથી અને ભારતને જો પ્રથમ ઈનિંગની 60-70 રનની લીડ મળે તો પણ ભારતની જીત નિશ્ર્ચિત ગણાશે.

ટોમ લેથમ 95 રનની ઈનિંગ રમી પેવેલીયન ભેગો થયો હતો. જો કે અગાઉ પણ ટોમ  લેથમને ચાર વાર જીવનદાન મળ્યું હોવા છતાં તે સદીથી પાંચ રન ચૂક્યો હતો. અન્ય કોઈ બેટ્સમેન પણ એવું ધારદાર પરર્ફોમન્સ કરી શક્યા ન હતા અને સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા. હજુ ન્યુઝિલેન્ડ ભારતથી 70 રન પાછળ છે. હાલમાં જેમિસન અને વિલીયમ ક્રિઝ પર રમી રહ્યાં છે. ભારત વતી અક્ષર પટેલે 5 વિકેટ જ્યારે જાડેજા, અશ્ર્વિન અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી. ભારત પોતાની બીજી ઈનિંગમાં 100 થી 150 રન બનાવે તો પણ ભારત માટે જીત આસાન બનશે. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી શ્રેયસ અયરે શાનદાર સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યાં છે.