થાનગઢ: નવાગામમાં માસુમ પુત્રીને મોતને ઘાટ ઉતારી માતાએ પણ કર્યો આપઘાત

  • ઘરકંકાસના કારણે માતાએ ગળેટૂંપો દઈ પુત્રીની હત્યા કરી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની પ્રાથમિક તપાસ
  • બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડાઇ
થાનગઢ પંથકમાં એક ચકચારી ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં માત્ર નવ માસની માસુમ પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હત્યાની કલમ સહિતનો ઉમેરો કરી બાળકીના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢ તાલુકાના નવાગામમાં રહેતા દૂધ ભરવાનુ કામ કરતા રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ડાભી અને તેમની પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવું પરિવાર સાથે રહેતા હતા. જેમાં છેલ્લા ઘણા એકસાથે રહેતા કુટુંબમાં કોઈ કારણોસર જુદા રહેવા જવાની વાતોથી ઘર કંકાસ વધી ગયો હતો.
જેના કારણે પરિણીતાને લાગી આવતા ભાવનાબેનએ સૌથી પહેલા પોતાની નવ માસની પુત્રી નેહારિકાને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ ભાવનાબેનએ પોતાની જાતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવવા સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ થાનગઢ પોલીસ મથકનો કાફલો તાબડતોડ નવાગામ પહોંચી ગયો હતો.
જ્યાં પોલીસે માતા ભાવનાબેનના મૃતદેહને પીએમ માટે સુરેનદ્રનગર ખસેડ્યો હતો. જ્યારે બાળકીના મોતનું સચોટ કારણ જાણવા નેહારિકાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે