પ્રવાસન હેતુને વેગ મળે તે માટે રાજયમાંથી સૌથી વધુ લાઈટ હાઉસની પસંદગી બદલ આભાર: જવાહર ચાવડા

દેશના 195 લાઈટ હાઉસ પૈકી 71નો વિકાસ કરવાનો સરકારનો નિર્ણય

33 લાઈટ હાઉસ હેરીટેજ કક્ષા ધરાવે છે: સૌથી વધુ ગુજરાતનાં 17 લાઈટ હાઉસનો સમાવેશ

ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા દેશમાં આવેલ લાઈટ હાઉસનો પ્રવાસન હેતુસર વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં 195 જેટલા લાઈટ હાઉસ આવેલ છે. આ લાઈટ હાઉસ પૈકી 33 લાઈટ હાઉસ હેરીટેજ કક્ષાના છે.

પ્રથમ તબકકામાં 71 લાઈટ હાઉસનો પ્રવાસન હેતુથી વિકાસ કરવાનો ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા નિર્ણય કરેલ છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છેકે, ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવેલ 71 લાઈટ હાઉસ પૈકી, ગુજરાત રાજયનાં 17 લાઈટ હાઉસનો પ્રવાસન હેતુસર વિકાસ કરવા માટે સમાવેશ કરવામાં આવેલ છે.જે અન્ય રાજયોની સરખામણીએ વધારે છે.5્રવાસન હેતુને વેગ મળે તે હેતુથી ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલ 17 લાઉટહાઉસમાં કચ્છીગઢ (શિવરાજપુર), જાફરાબાદ, અલંગ, પીરમ આઇલેન્ડ, માંડવી (કચ્છ), સમીયાણી આઇલેન્ડ, ઓખા, ગોપનાથ, રાવલપીર, વલસાડ ખાડી, માંગરોળ, પોરબંદર, હજીરા, જેગરી, વેરાવળ, દ્વારકા તથા માધવપુરના લાઇટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 17 લાઇટહાઉસ પૈકી રાવલપીર, સમીયાણી આઇલેન્ડ, જાફરાબાદ અને પીરમ આઇલેન્ડ હેરીટેજ લાઇટહાઉસ છે.

લાઇટહાઉસનો વિકાસ કરવાથી નવા પ્રકારનું પ્રવાસીય આકર્ષણ રાજયમાં ઉપલબ્ધ થશે અને તેથી દેશ-વિદેશથી વધુને વધુ પ્રવાસીઓ ગુજરાત આવે અને વિવિધ લાઇટહાઉસની મુલાકાત લે, જેથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવી રાજયના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ આશા વ્યકત કરેલ છે.

આ બાબતે પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાઓ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન હેતુને વેગ મળે તે માટે ગુજરાતમાંથી સૌથી વધુ લાઇટહાઉસની પસંદગી કરવા બદલ તથા સૂચનો ગ્રાહ્ય રાખવા બદલ રાજય સરકાર વતી માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાનો જવાહર ચાવડાએ આભાર વ્યકત કર્યો હતો.