સુરત શહેર ઝોન -૬ એલસીબી પોલીસે ડુમસ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને આખરે રાજસ્થાનના ડીગ જિલ્લા ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે આશરે ૧૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી, સ્થાનિક વેશભૂષા ધારણ કરી ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરી આરોપીને દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫માં ઘરફોડ ચોરીની એક ઘટના અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ઇમામુદીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ (ઉ.૨૯) સંડોવાયેલો હતો અને ગુનો આચર્યા બાદ છેલ્લા દસ વર્ષથી ફરાર થઇ ગયો હતો, જેના કારણે પોલીસ તેને શોધી રહી હતી.
દરમ્યાન, સુરત શહેર ઝોન -૬ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વર્ષ ૨૦૧૫ના ડુમસ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ઇમામુદીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના વતન રાજસ્થાન-હરિયાણા બોર્ડર નજીક ડીગ જિલ્લામાં છુપાયેલો છે.
આ બાતમીના આધારે ઝોન -૬ એલસીબીની ટીમ તાત્કાલિક રાજસ્થાન જવા રવાના થઇ હતી. પોલીસે આરોપીના મૂળ વતન ગામ તેલીકાબાસ, તા. સીકરી, જી. ડીગ (રાજસ્થાન) ખાતે પહોંચી લગભગ ૧૧૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આરોપીને ઓળખવો મુશ્કેલ ન બને અને સ્થાનિકોને શંકા ન જાય તે માટે પોલીસ ટીમે જે તે વિસ્તારની સ્થાનીક વેશભૂષા ધારણ કરી હતી.
પોલીસ ટીમે બે દિવસ સુધી ગામ અને આસપાસના વિસ્તારોમાં ગુપ્ત રાહે આરોપીની પ્રવૃત્તિઓ અને ઠેકાણા અંગે સચોટ માહિતી એકત્રિત કરી હતી. ચોક્કસ બાતમી અને માહિતીના આધારે પોલીસે ગોઠવેલા ચક્રોમાં આખરે ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપી ઇમામુદીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત લાવી ડુમસ પોલીસ મથકના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી ફરાર આરોપીના ઝડપાવાથી આ ઘરફોડ ચોરીના કેસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.