Abtak Media Google News

રાજકોટને 10, ગોંડલ 14, જેતપુર 18, ધોરાજી- ઉપલેટા – જામકંડોરણા માટે ર8 બસો ફાળવાઇ

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્ર સુદ આર્જથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ અને એક ભારત અને શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આ રાષ્ટ્રીય મેળામાં નિ:શુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુર જવા માટે આ બસો ઉપડશે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી  વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10 બસો, ગોંડલ પ્રાંતને 14 બસો, જેતપુર પ્રાંતને 18 બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે. મેળામાં જવા માટે અત્યાર સુધીમાં 1439 જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોન મંદિર, મુરલી મનોહર મંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટે ઉત્સુક છે. આ માટે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાઓના અગ્રણીઓએ આ રાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો.

મહત્ત્વનું છે કે, માધવપુરના મેળા માટે રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી  કે.જી. ચૌધરી તેમજ પ્રાંત-2 અધિકારી સંદીપ વર્માને ફીલ્ડ ડ્યૂટી સોંપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકને કંટ્રોલરૂમની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની મુસાફરીની સુગમતા માટે નાયબ મામલતદારો તેમજ વિવિધ ક્લાર્કને પણ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત બસ દીઠ સુપરવાઈઝર પણ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.