- ‘ધનસંચયની જેમ જળસંચય કરો’ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનો અનુરોધ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના નવસારી પ્રવાસ દરમિયાન જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા હતા.
‘નમક સત્યાગ્રહ’ માટે દાંડીની પસંદગીમાં કરાડી ગામના ચાવીરૂપ ફાળાની વાત કરતા પટેલે જણાવ્યું હતું કે, કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ પડાવ છે અને આપણી આગવી વિરાસત છે. બ્રિટિશરોના હાજા ગગડાવી નાખનાર દાંડી નમક સત્યાગ્રહના કારણે આ ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આઝાદીના અમૃતકાળમાં આપણને વિવિધ સંકલ્પો આપ્યા છે, એ પૈકી તેમણે ગુલામીની માનસિકતા દૂર કરીને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ લેવાની પ્રેરણા આપી છે. દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્ર્વભરના લોકો મુલાકાત લે અને તેનો ગૌરવ કરે તે માટે તેમણે દાંડી મેમોરિયલનો વિકાસ કર્યો હોવાનો પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપણા ઈતિહાસને સાચવીને અને સમય સાથે કદમ મિલાવીને શિક્ષણમાં આધુનિક આયામો અપનાવ્યા છે. આ શાળા પણ આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની નવીનતમ ટેક્નોલોજીથી સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, ત્યારે આ ઐતિહાસિક શાળાના આજના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે વર્ષ-2047 માં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કરાડી શાળાના શતાબ્દી વર્ષ પૂર્ણ કરતા શાળા સાથે સંકળાયેલા દાતાઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને જલાલપોરના કાંઠા વિસ્તારમાં શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ કરેલા યોગદાનને બિરદાવ્યા હતા અને શાળાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક વારસાને સાચવીને વિકસિત ભારતના સંકલ્પમાં શાળાના બાળકો વધુમાં વધુમાં સંકલ્પબદ્ધ થાય તે માટે શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે ધનસંચયની જેમ જળસંચયની મીઠી ટકોર કરી સ્વચ્છતા, શુદ્ધ પાણી, આંતરમાળખાકીય સુવિધાઓના વિષયોને પોતાના ઉદ્બોધનમાં આવરી લીધા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે, પરંતુ આજના સમયમાં પીવા અને પિયત માટે પાણીની અછતની સમસ્યાને દૂર કરી શકીશું, ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ વોટર હાર્વેસિ્ંટગ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ પહેલ દ્વારા વરસાદનું વહેતું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થશે, જેના પરિણામે પાણીના સ્તર ઉંચા આવશે અને ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ થશે વધુમાં તેમણે જણાવ્યું કે નવસારીના સર્વાંગી વિકાસ માટે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ તત્પર છે.
જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે સ્વાગત પ્રવચનમાં પોતાના કરાડી ગામ પ્રત્યેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કરાડી રાષ્ટ્રીય શાળાના ભવ્ય ઈતિહાસ, સિદ્ધિઓ અને યશગાથાઓની વાત કરી હતી. આ સાથે જ જલાલપોરના વિકાસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આદરપૂર્વક અવગત કરાવ્યા હતા. કાંઠા વિસ્તારના ગામોના રસ્તાઓ, પીવાના પાણી તેમજ આંતરમાળખાકીય સહિતની સુવિધાઓનું વર્ણન કરીને તેમણે કાંઠા વિસ્તારના યુવાઓની રમત-ગમત પ્રત્યે રૂચિ, સિદ્ધિઓ અને પ્રતિબદ્ધતા જણાવી હતી. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયની ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.