Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ સામે આરપારની લડાઈ લડવા સેના સજ્જ

આતંકવાદીઓને સેનાએ સરન્ડર થવાની પણ તક આપી હતી પણ તેઓ તાબે ન થતા ઠાર કરાયા, આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારુદ પણ મળ્યા

અબતક, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી આતંકવાદીઓ સક્રિય થઈને શાંતિને ડહોળી રહ્યા છે. જેને પગલે ભારતીય સેના તેઓની સામે આરપારની લડાઈ લડવા સજ્જ બની છે. આ દરમિયાન આજે સેનાએ લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ પાસેથી હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. પૂંચ જિલ્લામાં આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આ દુ:ખદ ઘટના ઘટી હતી. આતંકીઓ હાજર હોવાની બાતમીના આધારે વહેલી સવારે શરૂ થયેલુ આ ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું. જેમાં બે આતંકીઓને ઠાર પણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ આજે શોપિયામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબા- ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના 3 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોને સોમવારે સાંજે આતંકીઓ એક ઘરમાં છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ અભિયાન શરૂ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં 3 આતંકીઓનો ખાતમો કર્યો છે.

પોલીસે જણાવ્યું કે  3 આતંકીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને ગોળાબારૂદ પણ મળી આવ્યા છે અને સર્ચ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓમાં ગાંદરબલનો મુખ્તાર શાહ પણ સામેલ છે. જેણે કુલગામમાં બિહારના મજૂરની હત્યા કરી હતી.

સુરક્ષાદળોએ 3 આતકીઓને ચારેબાજુથી ઘેરી રાખ્યા હતા અને તેમને સરન્ડર કરવા માટે  કહ્યું, પરંતુ આતંકી હથિયાર હેઠા મૂકવા તૈયાર થયા નહીં. ત્યારબાદ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જવાબ આપતા એન્કાઉન્ટરમાં તેઓ ઠાર થયા છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આતંકીઓના એક હુમલામાં સેનાના એક જેસીઓ સહિત 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની ટુકડી ગુપ્ત બાતમી મળતા આતંકીઓની શોધમાં ઓપરેશન માટે પીર પંજાલના જંગલોમાં ગઈ હતી. જ્યાં આતંકીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો.

આ હુમલામાં સેનાના નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાયક મનદીપ સિંહ, સિપાઈ ગજ્જન સિંહ, સિપાઈ સરજ સિંહ અને સિપાઈ વૈશાખ એચ શહીદ થયા હતા. વધુમાં  ઘાટીના અન્ય બે જગ્યાએ પણ અથડામણ પણ થઈ હતી. બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના આતંકી ઈમ્તિયાઝ અહેમદ ડારને ઠાર કર્યો હતો. જ્યારે અનંતનાગમાં મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં 1 આતંકી ઠાર થયો હતો. અનંતનાગ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી ઘાયલ પણ થયા હતા. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિલ્હીમાંથી એકે 47 સાથે પાકિસ્તાની આતંકી ઝડપાયો

દેશની રાજધાની દિલ્હીમાંથી એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક AK-47 ગન અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રાજધાનીના લક્ષ્મીનગર વિસ્તારથી પાકિસ્તાની આતંકીને પકડ્યો છે. ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીનું નામ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી છે. આતંકી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે. અશરફ ભારતમાં અલી અહેમદ નૂરી નામથી દિલ્હીના શાસ્ત્રીનગરમાં છૂપાયેલો હતો. પોલીસે આતંકી પાસેથી AK-47 અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. આતંકીએ ખોટા દસ્તાવેજોની મદદથી ભારતનું નકલી ઓળખપત્ર પણ બનાવી લીધુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.