Abtak Media Google News

કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ વાયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે પ્રથમ લરહેમાં વૃધ્ધો તો બીજી લહેરમાં યુવાનોને ઝપેટમાં લીધા બાદ હવે ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાથી બાળકનું મોત થયું હોય તેવો પ્રથમ કેસ નોંધાયો છે.

રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બાળકનું નામ જેનીશ સાંગઠિયા છે જેની ઉંમર 5 માસ છે. રાજકોટ શહેરમાં કોઠારિયા રોડ પર ઘનશ્યામનગર ખાતેના રહેવાસી છે.જેનિસને ગત 19મી તારીખે ડિવાઇન હોસ્પિટલ માંથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રીફર કરવામાં આવ્યો હતો.

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદીએ બાળકના મોત અંગે તપાસના આપ્યા આદેશ

આજ વહેલી સવારે સિવીલ હોસ્પિટલમાં પાંચ માસના કોરોના સંક્રમિત બાળકનું સારવારમાં મોત નિપજતાં શહેરીજનોમાં ગભરાટનો માહોલ છવાયો છે. કોઠારીયા રોડ પર રહેતા માસુમ બાળકને તા.19 ના રોજ ડિવાઇન હોસ્પિટલમાંથી સિવીલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. અને જેનું આજ સવારે મોત નિપજયું હતું. માસુમનું મોત નિપજતા સીવીલ સેપ્રિટેન્ડેન્ટએ આ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

સાથે હજુ ત્રણ માસુમ બાળકો સિવીલ હોસ્5િટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેનો આરટીપીસીઆર રીપોર્ટ કરાવી સેમ્પલ મોકલવામાં આવ્યા છે. હાલ કોરોનાના કેસો વધુ સામે આવી રહ્યા નથી પરંતુ બાળકનું મોત નિપજતાં ત્રીજી લહેરે દશ્તક આપી હોઇ તેવું લાગી રહ્યું છે. જેથી આરોગ્ય વિભાગની ટીમને તૈયાર કરી ડોર ટુ ડોર ચેકઅપમાં વધારો કરવામાં આવ્યો છે.

ઘનશ્યામનગરમાં ડોર ટુ ડોર સર્વે માટે ત્રણ ટીમો ઉતારતું કોર્પોરેશન

શરદી, ઉધરસથી પીડાતા બાળકોના કોરોના ટેસ્ટ કરાશે

આજે સવારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પાંચ માસના બાળકના મોતથી શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાહેર થયા બાદ મહાપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ તાત્કાલીક અસરથી શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ડોર ટુ ડોર સર્વે માટે ત્રણ ટીમો ઉતારી દીધી છે. જેમાં પ્રત્યેક ટીમમાં 2 હેલ્થ વર્કરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર વિસ્તારમાં તાવ કે શરદી-ઉધરસથી પીડાતા બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આટલું જ નહીં મૃતક બાળકના પરિવારજનો અને તેની સાથે સંપર્કમાં આવેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરના કોઠારીયા વિસ્તારમાં ઘનશ્યામનગરમાં રહેતા પાંચ માસના બાળકનું આજે સવારે કોરોનાથી મૃત્યુ થયું હોવાનું જાહેર થયા બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અરસથી અહીં ડોર-ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ ટીમો દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે.

જેમાં વિસ્તારમાં જો કોઈ બાળકને તાવ, શરદી કે ઉધરસ હશે તો તેના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત મૃતક બાળકના પરિવારજનો સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવામાં આવશે અને તેના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે મહાપાલિકા આગામી દિવસોમાં વધુ એક વખત આરોગ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો જ સંક્રમીત થશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે. ત્યારે આજે રાજકોટમાં કોરોનાથી પાંચ માસના બાળકનું મોત નિપજયાનું જાહેર કરવામાં આવતા શહેરભરમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. ત્રીજી લહેરે ટકોરા મારતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.