Abtak Media Google News

રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો 13.7 ડિગ્રી: ઠંડાગાર પવનોથી ઠુંઠવાતુ જનજીવન

અબતક-રાજકોટ

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર તળે રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. આજથી વાતાવરણ ક્લિયર થવા માંડ્યુ છે. હજી બે દિવસ વાદળછાંયુ વાતાવરણ છવાયેલું રહેશે. દરમિયાન રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે જાણે હિલ સ્ટેશનમાં ફરવા ગયા હોય તેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બર્ફિલા ઠંડાગાર પવનોથી જનજીવન ઠુંઠવાઇ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 99 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 13.7 ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આજથી હવે માવઠાની કોઇ અસર દેખાશે નહીં. રાત્રિ દરમિયાન તાપમાનનો પારો નીચો પટકાશે અને હજી બે થી ત્રણ દિવસ ઠંડાગાર પવન ફૂંકાવાનું ચાલુ રહેશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજથી હવે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાતાવરણ ક્લિયર થઇ જશે. રાત્રિ દરમિયાન તાપમાનનો પારો નીચો આવશે અને દિવસ દરમિયાન તાપમાન ઉંચુ રહેશે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. જે ચાલુ વર્ષ શિયાળાની સિઝનનું સૌથી ઓછું છે. ઠંડાગાર પવનો ફૂકાય રહ્યા છે. જેના કારણે જનજીવન રિતસર ઠુંઠવાઇ રહ્યુ છે જાણે હિલ સ્ટેશનમાં ફરવા ગયા હોય તેવો અહેસાસ સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે. બર્ફીલા ઠંડાગાર પવનોથી લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવા પડી રહ્યા છે. આગામી દિવસોમાં હવે ઠંડીનું જોર વધશે.

હજી એકાદ બે દિવસ ઠંડા પવનો ફૂંકાતા રહેશે. શિયાળો હવે બરાબર જમાવટ કરશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.