ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ‘આક્રમણ’ની રણનીતિ ભારતને ‘ડ્રાઇવિંગ સીટ’ પર લાવી દેશે!!

ભારતીય બોલરોના ‘એટેક’થી ઇંગ્લેન્ડના બેટ્સમેનો ‘ડિફેન્સ’મા આવ્યા: પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડનું ૧૮૩ રનમાં ફિંડલુ વળી ગયું!!

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે આક્રમણની રણનીતિ અપનાવી છે. ભારતે મેચની શરૂઆતથી જ આક્રમક બોલિંગ કરીને ઇંગ્લિશ ટીમના બેટ્સમેનોને ગોઠણીયે વાળી દીધા હતા. ભારતની આક્રમક બોલિંગ સામે ઇંગ્લિશ બેટ્સમેનો ડિફેન્સ રમવા મજબૂર થયા હતા. કહેવાય છે કે, ‘ક્રિકેટ ઇઝ એ મેન્ટલ ગેમ’. પરિણામે બેટ્સમેનોની ડિફેન્સ રમવાની મજબૂરીએ ઇંગ્લેન્ડના બોલરોને પણ ડિફેન્સીવ બોલિંગ કરવા મજબૂર કરી દીધા હતા.

જેના કારણે ઇંગ્લેન્ડના બોલરો વિકેટ લેવાની જગ્યાએ બોલ બેટ્સમેનથી દુર કેમ રહે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા નજરે પડ્યા હતા. ઇંગ્લેન્ડના બોલરો બેટ્સમેનથી ક્યાંય દૂર બોલ ફેંકી રહ્યા હતા જેનો લાભ પર ભારતીય ઓપનર્સને મળી રહ્યો છે. ટેસ્ટ મેચમાં ઓપનર્સની પ્રથમ જવાબદારી બોલને જૂનો કેમ કરવો તે હોય છે ત્યારે બેટ્સમેનોની આ જવાબદારી પૂર્ણ કરવાનું બીડું જાણે ઇંગ્લેન્ડના બોલરોએ લિધી હોય તેવું લાગી રહ્યું હતું.

નવા બોલ પર બેટ્સમેન શોટ લગાવવાની કોશિશ કરે તો કેચ ચડી જવાનું જોખમ વધુ હોય છે. ત્યારે ઇંગ્લેન્ડની ટીમે કેચ ઝડપી લેવા ચાર ફિલ્ડર સ્લીપમાં ગોઠવ્યા હતા પણ બોલરો વિકેટથી ક્યાંય બોલિંગ કરતા પ્રથમ દિવસે એવો ક્ષણ જ ન આવ્યો કે, સ્લીપમાં રહેલા ફિલ્ડર કેચ ઝડપી શકે.

ભારતે ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટ ક્રિકેટમેચના શરૂઆતના દિવસ બુધવારે પ્રથમ ઈનિંગમાં ૧૮૩ રનો પર ઓલઆઉટ કરી દીધું છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોની બોલિંગ સામે અંગ્રેજો ભારે ઝઝૂમી રહ્યા હતા, કેપ્ટન જો રૂટે ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક ૬૪ રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે અંગ્રેજો નિષ્ફળ રહ્યા હતા. જેમાં બુમરાહે ૪૬ રન આપીને ૪ વિકેટ અને મોહમ્મદ શમીએ ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ હાર્યો હતો, ઈંગ્લેન્ડના કેપ્ટને જો રૂટે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જસપ્રિત બુમરાહે ભારતને સારી શરૂઆત અપાવી હતી. આ ફાસ્ટ બોલરે સીરીઝના પ્રથમ ઓવરના પાંચમા બોલ પર જ રોરી બર્ન્સને લેગ બિફોર આઉટ કર્યો હતો. ત્રણ આઉટસ્વિન્ગર્સ પછી, બુમરાહે બોલને લેગ-સ્ટમ્પ પર નાખ્યો જે બર્ન્સના પેડ પર અથડાયો અને અપીલ પર એમ્પાયરે આઉટ આપ્યો હતો.

ટી બ્રેક પછી ઈંગ્લેન્ડના બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા. ડેન લોરેન્સે મોહમ્મદ શમીએ ખાતું ખોલવા નહોતુ દીધું અને ઋષભપંતના હાથે કેચ કરાવ્યો હતો. જોસ બટલર પણ ખાતું ખોલાવી શક્યો નથી. ૧૮ બોલનો સામનો કર્યા બાદ તે બુમરાહ દ્વારા વિકેટ પાછળ આઉટ થયો હતો. આ દરમિયાન શાર્દુલ ઠાકુરે રૂટને એલબીડબલ્યુ કરી દીધો હતો. ત્રણ બોલ પછી, ઠાકુરે પણ કોઈ રન બનાવ્યા વગર એલી રોબિન્સનને રવાના કર્યો હતો. બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડને એલબીડબલ્યુ કરીને ત્રીજી વિકેટ પોતાના નામે કરી હતી. અંતે, સેમ કુરન ૨૭ રન બનાવી અણનમ રહ્યો હતો.

ભારતીય બોલરોની બોલિંગ સામે અંગ્રેજો નિષ્ફળ

ઇંગ્લેન્ડની ટીમ એક સમયે ત્રણ વિકેટે ૧૩૮ રનમાં સારી સ્થિતિમાં હતી પરંતુ પછી તેણે ૨૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે આ ટેસ્ટમાં પોતાની બેટિંગને મજબૂત કરવા ચોથા ઝડપી બોલર તરીકે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યો હતો, જ્યારે સિરાજના ફોર્મને જોઈને ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજા ટીમમાં એકમાત્ર સ્પિનર​ છે.

પ્રથમ ઇનિંગમાં ભારત ૧૨૫+ની લીડ મેળવે તેવી પ્રબળ શકયતા!!

જે રીતે હાલ મેચ ચાલી રહ્યો છે તે મુજબ ભારત એટેકની રણનીતિ યથાવત રાખશે. ઇંગ્લેન્ડની ડિફેન્સની રમત સામે મોકો મળતા જ ભારત હાવી થઈ જશે. ટીમમાં કે.એલ. રાહુલનો સમાવેશ કરવાનો ઈરાદો પણ એટેક રમવાનો જ છે. રાહુલને ઓવરપીચ કે શોર્ટપિચ બોલ મળ્યો તો ચોક્કસ બોલ બાઉન્ડ્રીની બહાર જશે અને ઇંગ્લેન્ડ દબાણમાં આવશે. ભારત એટેક રમવાનું ચાલુ રાખશે અને જો ઇંગ્લેન્ડને વિકેટ ન મળી તો ટીમનું મનોબળ નીચું જશે જેનો લાભ લઈને ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૨૫+ રનની લીડ મેળવી ડ્રાઇવિંગ સીટ પર આવી જાય તેવી પ્રબળ શકયતા છે.