Abtak Media Google News

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ હાલત જોતા વિશ્વના ઘણા બધા દેશો આપડી સહાય માટે આવ્યા છે. આ સહાય પહેલા તે લોકોએ પોતાની સાવચેતી માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જેમ કે હમણાં થોડા સમયમાં જ USA, કેનેડા, યુએઈ, ઓમાન, ન્યુઝીલેન્ડ સહિત વિશ્વના ઘણા દેશોએ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બધા દેશોના પ્રતિબંધ સાથે આજે ઓસ્ટ્રેલિયન સરકારે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે.

 


ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વડા પ્રધાન સ્કોટ મોરિસને મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતમાં વધતા જતા કોરોના ચેપના કારણે આ નિર્ણય લેવો પડ્યો. આ પ્રતિબંધ અત્યારે 15 મે સુધી લગાવેલ છે, પછી આગળ કેવી પરિસ્થિતિ સર્જાય તેના પર નિર્ભર રહશે. આ પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયામાં વસતા મૂળ ભારતીય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કોરોના સામેના યુદ્ધમાં ઓસ્ટ્રેલિયાએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા સરકાર ઓક્સિજન સપ્લાય, પીપીઇ કિટ અને વેન્ટિલેટરની સહાય કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હંટે સોમવારે કહ્યું હતું કે, ‘કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ભારતને તાત્કાલિક રાહત પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયન સરકાર ભારતને શક્ય તેટલી બધી રીતે મદદ કરવાની તૈયારી કરી રહી છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.