Abtak Media Google News

૨૯/૯/૧૭નાં ઠરાવમાં રહેલી વિસંગતતા દુર કરી અંશત: સુધારા સાથેનો નવો પરિપત્ર જાહેર કરતુ મહેસુલ વિભાગ

રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાની મંજુરી અંગેના તા.૨૯/૯/૧૭નાં ઠરાવમાં રહેલી વિસંગતતા દુર કરીને મહેસુલ વિભાગનાં ઉપસચિવ દ્વારા આજે અંશત: સુધારા સાથેનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રહેણાંક હેતુની જમીન જુની શરતમાં ફેરવવાની સતા સંબંધિત પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે.

વિચારણાને અંતે તા.૨૯/૯/૧૭ના ઠરાવમાં અંશત: સુધારો કરીને મહેસુલ વિભાગે આજે નવો પરીપત્ર બહાર પાડયો છે જેમાં જણાવાયું છે કે, રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનના પૂર્વ મંજુરીથી વેચાણ તેમજ જુની શરતના કોઈપણ કિસ્સામાં જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઈ સમયગાળો ગણતરીમાં લેવાનો રહેશે. વધુમાં સદર ઠરાવ કો-ઓપરેટીવ સોસાયટી (સહકારી મંડળી)ઓને રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનનાં પૂર્વ મંજુરીથી વેચાણ તેમજ જુની શરતમાં ફેરવવાના કામે લાગુ પડશે.

રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતની જમીન જયારે એક વ્યકિત (એ)ને ફાળવવામાં આવે ત્યારબાદ કેટલાક વર્ષો બાદ તે વ્યકિત (એ) અન્ય વ્યકિત (બી)ને તે જમીનનું પૂર્વ મંજુરીથી વેચાણ કરે તેવા કિસ્સામાં જમીન જુની શરતમાં ફેરવવા અંગે વ્યકિત (એ)ને જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઈ તા.૨૯/૦૯/૧૭ના ઠરાવનો લાભ આપવાનો રહેશે. રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં જામીન ફાળવણી તારીખથી ૨૫ વર્ષની અંદર બાંધકામ સંલગ્ન શરતભંગ થયેલ હોય અને તે અંગેની દંડની રકમ વસુલ કરી લીધેલ હોય તો તેવા કિસ્સામાં પણ સનદની તારીખથી સમયગાળો ધ્યાને લઈ તા.૨૯/૯/૧૭ના ઠરાવનો લાભ આપવાનો રહેશે.

૨૫ વર્ષ બાદ નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા અંગેની સતા સંબંધિત પ્રાંત અધિકારીની રહેશે. રહેણાંકના હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન જુની શરત કરવાના કિસ્સામાં, પૂર્વ મંજુરી સિવાય થયેલ વેચાણના કિસ્સામાં શરતભંગ થયેલ હોય અને તે નિયમિત થઈ ગયેલ હોય તો તેવા કિસ્સામાં પણ સનદની તારીખથી સમયગાળો ધ્યાને લઈ તા.૨૯/૯/૧૭ના ઠરાવનો લાભ આપવો. રહેણાંકના હેતુ માટે કો-ઓપરેટીવ સોસાયટીને બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનમાં, સોસાયટીના સભ્ય તરીકે મંજુર થયેલ પ્લોટ વ્યકિતગત જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં પણ તા.૨૯/૯/૧૭નો ઠરાવ લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.