બોમ્બ ધડાકા કરી પ્રજાસત્તાક પર્વે રાજધાની સહિત દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હરામી લોકોનો મનસૂબો નાકામ!!

છત્તીસગઢમાં સેના કેમ્પ નજીક આઈઇડી બ્લાસ્ટ: 3 જવાન ઇજાગ્રસ્ત

 

અબતક, નવી દિલ્લી

ગણતંત્ર દિવસ અગાઉ મકર સંક્રાંતિના દિવસે દેશની રાજધાની તથા પંજાબમાંથી વિસ્ફોટકો મળી આવ્યા છે, તો બીજીબાજુ છત્તીસગઢમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઇડી) બ્લાસ્ટ થયો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોરસોંડા કેપ નજીક ગોળીબારી બાદ આઈઇડી વિસ્ફોટ થયો હતો. જેમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. પંજાબમાં પાકિસ્તાન સરહદથી ફક્ત 2.5 કિમી અંતરે અમૃતસર સ્થિત ઘરિંદા વિસ્તારમાંથી એસટીએફને 5 કિલો વિસ્ફોટક મળી આવ્યા હતા, જે પૈકી 2.7 કિલો આરડીએક્સ હતું.

અમૃતસરના એસટીએફના એઆઈજી રશપાલ સિંહે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન સીમા વાઘા-અટારી નજીક એક ગામમાંથી આ વિસ્ફોટકો મળી આવ્યા છે. રશપાલ સિંહે જણાવ્યું કે માહિતી મળતા જ અમે તપાસ કરી હતી, જે ડ્રગ્સ નહીં પણ વિસ્ફોટકો હતા. જ્યાંથી આ વિસ્ફોટક મળી આવ્યા છે ત્યાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આ વિસ્ફોટક પાકિસ્તાનથી આવેલા હતા.

રાજધાની દિલ્હીમાં પણ આઈઇડી મળી આવ્યું હતું. તે દિલ્હીના ગાજીપુર વિસ્તારમાંથી મળી આવ્યું હતું. એનએસજીના ડાયરેક્ટર જનરલ એમએમ ગણપતિએ જણાવ્યું કે શરૂઆતી તપાસમાં માહિતી મળી છે કે ગાજીપુરમાંથી મળી આવેલું આઈઇડીના નિર્માણમાં એમોનિયમ નાઈટ્રેટ અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળી માહિતી પ્રમાણે ફૂલ બજારના ગેટ પાસે પાર્કિંગમાં એક બેગમાંથી આ વિસ્ફોટક મળી આવ્યા હતા. પોલીસ અધિકારી, સ્પેશિયલ સેલની ટીમ, ડોગ સ્ક્વાઈડ, કેટ્સ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.

કાશ્મીરમાં પ્રેશર કુકર બોમ્બ સાથે એક હરામીની ધરપકડ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાંથી પ્રેસર કુકર બોમ્બ ઝડપી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ગાઝીપુરમાં આઈઇડીને નિષ્ક્રિય કર્યાના થોડા સમય પછી સુરક્ષા દળોને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રેશર કૂકરની અંદરથી પણ આઇઇડી મળી આવ્યો હતો.  જો કે, સુરક્ષાકર્મીઓએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ઘટના શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારની છે, જ્યાં સીઆરપીએફ જવાનોએ ખ્વાજા બજાર ચોક પાસે એક શંકાસ્પદ બેગ મળી આવી હતી.  આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી.  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે બેગમાં 4-5 લિટરના પ્રેશર કૂકરની અંદરથી આઈઇડી મેળવ્યો હતો અને તેને તે જ જગ્યાએ નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.