ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કુલના 133 વર્ષ જૂના ટાવરના ડંકા ફરી ગૂંજ્યા

સર ભગવતસિંહજીના સંભારણા સમા બિલ્ડિંગને મહત્વ આપી નગરપાલિકા દ્વારા મરામત કરાઈ

પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની અમર યાદગીરી સમાન સંગ્રામસિંહજી હાઇસ્કુલ બિલ્ડીંગનાં 133 વર્ષ જુના ટાવરની નગરપાલિકા દ્વારા મરામત કરાતાં ઐતિહાસિક ટાવરની ઘડિયાળનાં કાંટા ફરતા થયાં હતાં અને ટાવરનાં ડંકા ફરી ગુંજતા થયાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજવી સર ભગવતસિંહજીએ 1887નાં બેનમુન બાંધકામ સાથે સંગ્રામસિંહજી હાઇસ્કુલનું નિર્માણ કર્યુ હતું. હાઇસ્કુલનાં બિલ્ડીંગમાં ટાવર પર રોમન પધ્ધતિની ઘડીયાળ શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે.

રાજાશાહી યુગમાં સમયની આલબેલ સાથે  ટાવરનાં ડંકાનો ગુંજારવ શહેરનાં ખૂણે ખૂણે દુર સુધી સંભળાતો હતો. 2001નાં ભુકંપ વેળા હાઇસ્કુલનાં  ટાવરને નુકશાન પંહોચતા ઘડીયાળ બંધ પડી હતી.

બાદમાં સંગ્રામસિંહજી હાઇસ્કુલને સવાસો વર્ષ પુર્ણ થતાં નગરપાલિકા દ્વારા સવા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ વેળા ટાવરની મરમ્મત કરાતાં  ઘડીયાળનાં કાંટા ફરીવાર ફરતા થયા હતા. પરંતુ થોડા સમય બાદ યોગ્ય જાળવણીનાં અભાવે ઘડીયાળ બંધ પડી જતાં ટાવરનો ગૌરવંતો ઇતિહાસ જાણે થંભી ગયો હતો.

દરમ્યાન તાજેતરમાં નગરપાલિકાની શિક્ષણ કમીટીમાં નવાં નિમાયેલા ચેરમેન કંચનબેન હિતેશભાઈ શિંગાળાએ સર ભગવતસિંહજીનાં સંભારણા સમા બિલ્ડીંગને મહત્વ આપી ત્રણ અઠવાડિયાની જહેમત સાથે  ઘડીયાળની મરમ્મત હાથ ધરતાં કારીગરોની જહેમત રંગ લાવી હોય તેમ ટાવરની ઘડીયાળનાં કાંટા ફરી વાર ફરતાં થયા છે અને ડંકા ગુંજતા થયાં છે.