Abtak Media Google News

ગાળા ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં બે રથ ગામે ગામ ફરી રહ્યા છે. જે અન્વયે મોરબી તાલુકાના ગાળા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા પુરી પાડી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને વિકાસની નવી દિશા આપવામાં આવી છે.  ઉપરાંત વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત હર ઘર તિરંગા સંદર્ભે દરેક ગ્રામજનોને 13, 14 અને 15 ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા લગાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રી મેરજાના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 100% રસીકરણ માટે ગાળા સરપંચ અને ગ્રામ પંચાયતની સરાહના કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

વિકાસ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોને વન વિભાગ દ્વારા ઔષધિય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.