દેશના વિકાસમાં સહભાગી બની શ્રેષ્ઠ નાગરિક ધર્મ બજાવીએ: પરીમલ પંડ્યા

ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં શહેરીકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા

૭૦મા પ્રજાસત્તાક પર્વની રાજકોટના ચૌધરી હાઇસકુલના  ખાતે શાનદાર ઉજવણી કરાઇ. ગુલાબી ઠંડીના ખુશનુમા માહોલ વચ્ચે દેશભક્તિના રંગેરંગાયેલા વાતાવરણમાં શહેરના ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં શહેર કક્ષાના યોજાયેલ ૭૦માં પ્રજાસત્તાક પર્વમાં જિલ્લાના અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ સમુહ ધ્વજવંદન કર્યા બાદ પ્રજાજનોને ૭૦મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશના અનેક શહિદો અને રાષ્ટ્રભક્તોના પરીશ્રમના પરીપાકરૂપે  મળેલી મહામુલી આઝાદીનું જતન કરીએ. વિશ્વના સૌથી શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશના નાગરીક તરીકે રાષ્ટ્રના સર્વાગી વિકાસમાં સહભાગી બનીને સૌ કોઇને શ્રેષ્ઠ નાગરિક ધર્મ બજાવવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે દેશની આઝાદી માટે મહામુલુ પ્રદાન કરાનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ એ.વી ટાંક અને છબીલદાસ લાખાણીના વારસાદારોનું અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ સન્માન કર્યું હતું.અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા સમુહ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડ અને માર્ચપાસ્ટમાં હથિયારદારી  પોલીસ, એન.સી.સી. ગર્લ્સ તથા બોયઝ, હોમગાર્ડઝ સહિત કુલ ૩ જેટલી પ્લાટુનોએ ભાગ લીધો હતો.

પરેડ કમાન્ડર તરીકે પી.એસ.આઇ.  પી.ડી.જાદવએ ફરજ બજાવી હતી તથા સેન્ટ પોલ સ્કુલની બેન્ડ પાર્ટીની સંગીતની સુરાવલીની સાથે રાષ્ટ્રગીતના ગાન અને માર્ચપાસ્ટમાં સહયોગ આપ્યો હતો.આ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સાત જેટલી વિવિધ રંગારંગ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુ કરી હતી.

આ કૃતિઓમાં એકરંગ માનસીક વિકલાંગ બહેનોની સંસ્થાની બહેનો દ્વારા આકર્ષક રાસની કૃતિ સહિત મહાત્મા ગાંધી, સ્કુલ, સેન્ટ ગાર્ગી સ્કુલ, વી.જે.મોદી સ્કુલ, કે.જી.ધોળકીયા સ્કુલ, સદગુરૂ રણછોડદાસ બાપુ હોમ સાયન્સ કોલેજ, અને કસ્તુરબા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા  નૃત્ય, યોગ, દેશભક્તિથી શરાબોર શૌર્યગીતો, બેન્ડ પાર્ટી દ્વારા દેશભક્તિના ગીતોના સંગીત સુરાવલીના નિદર્શનો રજુ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રાંત અધિકારી એ.ટી.પટેલ, રૂડાના મુખ્ય કારોબારી અધકારી પી.વી.અંતાણી, રાજકોટના મામલતદારો બરાસરા, ભગોરા, દંગી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, નગરના શ્રેષ્ડીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.