- ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજીક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે એવોર્ડ સમારોહ યોજાયો
- સંપૂર્ણ પારદર્શક નિર્ણયથી એવોર્ડ વિજેતાઓની પસંદગી થતી હોવાનું જણાવી સંપૂર્ણ પ્રક્રિયા મંત્રી ભાનુબેન દ્વારા સમજાવવામાં આવી
સંવિધાનનો અમૃત મહોત્સવ- બંધારણના 75 માં વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે અપાતા ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંત કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ અર્પણ વિધિ સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર,સેક્ટર-12 ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે તા.16 જાન્યુઆરીના રોજ યોજાયો હતો.કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સંવિધાનના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.
ડો.બાબા સાહેબ આંબેડકરના નામ અને એમના પરિવાર સાથે જોડાયેલા એવોર્ડ સાથે આજે સૌ સમારોહમાં ઉપસ્થિત થયા છે ત્યારે, એવોર્ડની પસંદગી વિશે જણાવતા તેમણે ઉમેર્યુ હતું કે, ઘણા બધા બાયોડેટા માંથી પસંદગી માટેની એક સમિતિ પણ હોય છે. જ્યારે આ પસંદગી થતી હોય છે, ત્યારે એ વ્યક્તિના કાર્ય ઉપર કે સમાજ જીવન ઉપર એ વ્યક્તિએ પોતાનું શું યોગદાન આપ્યું છે! અને એજ યોગદાનના ભાગરૂપે એવોર્ડ આપવાની પસંદગી થતી હોય છે. આ પસંદગી માટે દરેક પ્રકારની ચકાસણી કરી સંપૂર્ણ ચોકસાઈપૂર્વક નિર્ણય થાય એના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. એટલુજ નહીં સંપૂર્ણ પાર્દશક નિર્ણય થાય તે માટે પોલીસ વેરીફીકેશન દ્વારા પણ બાંહેધરી લેવામાં આવે છે. જ્યારે આ પસંદગી કરવા બેઠા ત્યારે ઘણા બાયોડેટા જોઈ આપણને બધાને ગર્વ થાય કે, સમાજમાં આટલું સરસ કામ કરતા લોકોનું એક ભાથુ કહી શકાય એટલા બધા લોકો આપણી પાસે છે. ખૂબ સીમિત સંખ્યામાં આપણે એવોર્ડ આપી શકીએ છે, બધા જ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની જગ્યાએથી સમાજ જીવન માટે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા હોય છે,પરંતુ આખી કમિટી બેસીને સાથે મળી એક નામ નક્કી કરવાનું હોય અને એક નામની મર્યાદામાં આપણે એવોર્ડ આપવાનો હોય, મર્યાદાના ભાગરૂપે એક એવોર્ડ માટે એક વ્યક્તિની પસંદગી કરતા હોઈએ છે. વધુમાં તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, સમાજ જીવનમાં ખૂબ સારી રીતે કામ કરી આ સમ્માન પ્રાપ્ત કરનારા લોકો આપણા બધા માટે પ્રેરણા છે. સમાજમાં ક્યાંકને ક્યાંક જરૂરિયાત હોય અને એ જરૂરિયાતને લઈને કોઈ રજૂઆત માટે આવે તો તમારે સમજવું કે, ઈશ્વર તો દરેક જગ્યાએ પહોંચી વળવા માટે સક્ષમ છે પરંતુ જ્યારે તમે કોઈ કાર્ય માટે નિમિત થાવ છો તો, ઈશ્વરે જ તમને આ કાર્ય માટે નિમિત બનાવ્યા છે. તેમણે પોતાનોજ દાખલો આપતા એમ પણ જણાવ્યું હતું કે,જ્યારે મારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંત્રી તરીકે કામ કરવાનું થયું ત્યારે રોજેરોજ વિભાગનું બધું સાહિત્ય જોવાનું અને જી.આર જોવાના, યોજનાઓ જોવાની, વિભાગના અધિકારીઓ સાથે રોજેરોજ બેઠક કરવાની અને રાતના મોડે સુધી બેસી ખુદ બધુ સારી રીતે સમજુ જેથી લોકોને સારી રીતે સમજાવી શકું.સાથે સાથે એ જે સરકારની યોજનાઓનો લાભ સારી રીતે લોકો સુધી પહોંચે એના માટે મારે શું આયોજન કરવું, મારે કેટલી મહેનત કરવાની જરૂર છે,તે ધીમે ધીમે સમજવાની શરૂઆત કરી ત્યારે સમજાયું કે, 90% કરતાં પણ વધારે વસ્તીને સ્પર્શતો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તે મને સમજાયું. કારણ કે, સંપૂર્ણ વિભાગ યોજનાથકી જોડાયેલો છે. બાળકનો જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, દીકરીનો જન્મ થાય એટલે વહાલી દિકરી યોજનાથી લઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાયની યોજના છે. એટલે જ 90% કર કરતાં પણ વધારે લોકોને સ્પર્શ તો આ વિભાગ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વર્ષ 2024-25ના એવોર્ડ વિજેતાઓમાં અમદાવાદના ડો.અમિત પ્રિયદર્શી જ્યોતિકરને ડો. બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે અખિલ ભારતીય શ્રમિક સંઘ સુરતના નરેશભાઈ સોલંકી ને મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ અને પ્રશસ્તિ પત્ર, કચ્છ્ના કાનજી જખુભાઈ મહેશ્વરી ને સંત કબીર સાહિત્ય એવોર્ડ અંતર્ગત રૂપિયા એક લાખ અને પ્રશસ્તિ પત્ર, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ કચ્છના શીલાબેન અજીતભાઈ ભાટીને રૂપિયા એક લાખ અને પ્રશસ્તી પત્ર, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ ગીરસોમનાથના રાજેશભાઈ સામતભાઈ ભજગોતરને રૂપિયા 50,000 અને પ્રશસ્તિ પત્ર તથા દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ પાટણના લલ્લુભાઈ ચીમનભાઈ જાદવને રૂપિયા 50,000 અને પ્રસિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.